કોંગ્રેસમાં અસંતોષનો મામલો રાહુલ ગાંધી સમક્ષ લઈ જવાશે

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2016 (14:29 IST)
વિધાનસભાની ચૂંટણીલક્ષી કામગીરીની વહેંચણીના મુદ્દે સૌરાષ્ટ્રના કોળી સમાજના નેતા અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજી બાવ‌િળયા અને તેમનું જૂથ અન્યાયના મુદ્દે દિલ્હી દરબારમાં રજૂઆત કરવાની તૈયારી કરી ચૂક્યું છે તો બીજી તરફ પાટણના પૂર્વ સાંસદ અને ઉત્તર ગુજરાતના નેતા જગદીશ ઠાકોર પણ બાવ‌િળયા જૂથની સાથે મળીને દિલ્હી દરબારમાં જવા માટેની રજૂઆતની રણનીતી તૈયાર કરશે.

આ અંગે કુંવરજી બાવ‌િળયાએ જણાવ્યું હતું કે તેમના અને બક્ષીપંચ સહિત ઇતર જ્ઞાતિના ૧પ થી ર૦ આગેવાનો બે દિવસ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીના નિર્ણયની રાહ જોશે, નહીં તો આવતા સપ્તાહે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી જઇને રજૂઆત કરશે.બીજી તરફ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અન્યાયના મુદ્દે અમારો સૂર એક જ છે. હું અને કુંવરજીભાઇ બે દિવસમાં મળીશું અને દિલ્હીમાં આ બાબતે રજૂઆતની રણનીતિ તૈયાર કરીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષમાં થવું જોઇએ તે રીતે અમારા પક્ષમાં કામ થતું નથી. નેતાઓને કારણ વગર સતત ડિસ્ટર્બ કરવામાં આવતા હોય તેવું અનુભવાય છે.

પક્ષ અત્યારે શિસ્ત વગર ચાલે છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ પાર્ટીના મેન્ડેટની અવગણના થાય છે. હું અને કુંવરજીભાઇ પહેલાં પાર્ટીની બાબતોનું ધ્યાન દોર્યા પછી તેના આધારે આગળના પગલાંની સત્તાવાર જાહેરાત કરીશું. બાવ‌િળયા સૌરાષ્ટ્રની ૧૪ જેટલી બેઠકો પર પ્રભાવ ધરાવે છે તેમ છતાં ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી સોંપાઇ નથી અને જો આ બાબતે પ્રદેશ પક્ષ કંઇ સાંભળશે તો દિલ્હીમાં રજૂઆત જ નહીં ભાજપ તરફ જવાની તૈયારી પણ કાર્યકર્તાઓએ કરી લીધી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ છે. જોકે બાવ‌િળયા જૂથને બુધવારે પ્રદેશ કોંગ્રેસ હાઇ કમાન્ડે બોલાવીને સાંભળ્યા છે.

વેબદુનિયા પર વાંચો