ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહના ઘરે ઈડીના દરોડા

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (12:47 IST)
આનંદીબેનના રાજીનામા બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપ, મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યા હતા અને આનંદીબેનનું રાજકીય એન્કાઉન્ટર થયું હોવાની વાત કરી હતી. ત્યારે ફરીવાર રાજકારણમાં ભૂકંપ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. NTC જમીન કૌભાંડ મામલે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સામે ઇડી દ્વારા મની લોન્ડરીંગનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસને લઈને શંકરસિંહે દાવો કર્યો છે કે, મે રાજકીય એન્કાઉન્ટરની વાત કર્યા પછી 24 કલાકમાં જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.  મને કોઇ નોટિસ મળી નથી અને મીડિયાના માધ્યમથી જ ઇડીની કાર્યવાહીની ખબર પડી. 

ગત વર્ષે સીબીઆઈ દ્વારા નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશનની (એનટીસી) જમીનો વેચી દેવાના 1700 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ ઇડીએ શંકરસિંહના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલાં સીબીઆઈ દ્વારા 1700 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઇડીએ પૂર્વ કેન્દ્રીયમંત્રી શંકરસિંહ અને અન્ય સામે ગેરકાયદે એનટીસીની લેન્ડ ટ્રાન્સફર કરવા મુદ્દે કેસ નોંધાવ્યો છે. આ ઘટનામાં સરકારને રૂ. 709 કરોડનું નુકસાન થયું હતું.

વેબદુનિયા પર વાંચો