અંબાજીમાં પુજારી આંખો પાટો બાંધીને માતાજીની વિશેષ પુજા કરે છે.
યાત્રાધામ અંબાજી વિશ્વનું એવું શક્તિપીઠ છે જ્યાં સવાર-સાંજની બે વખતની આરતીમાં વચ્ચે એક મિનીટનો વિરામ લેવામાં આવે છે. આ વિરામ દરમિયાન પુજારી પોતાની આંખે પાટા બાંધી માતાજીની વિશેષ પૂજા કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં સવાર-સાંજ મા અંબાની આરતીનો લાભ લેવો તે પ્રત્યેક શ્રદ્ધાળુ પોતાનું સદ્દભાગ્ય સમજતા હોય છે. જેમાં પણ નવરાત્રિમાં મા ચાચરચોકમાં ગરબા રમવા તેમજ આરતીનો લાભ લેવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જ્યાં આરતીના શબ્દો હોય છે જય આદ્યશક્તિ... મા જય આદ્યશક્તિ... આ આરતી આગળ વધે છે. અને તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા... પંક્તિ પછી એક મિનીટનો વિરામ લેવામાં આવે છે. અને એક મિનીટ પછી ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા...મૈયા ચંડી ચામુંડા... પંક્તિથી આરતી પુન: શરૂ કરી અંતે સ્તુતી બાદ પુરી કરવામાં આવે છે. આ પરંપરા નવરાત્રિ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ નિભાવવામાં આવે છે. એક મિનિટના વિરામમાં પુજારી પોતાની આંખે પાટા બાંધી માતાજીની વિશેષ પૂજા કરે છે .