નાના અંબાજી તરીકે પ્રસિદ્ધ ખેડબ્રહ્મામાં માતાજીના ગરબાની ધૂમ મચશે.

શનિવાર, 1 ઑક્ટોબર 2016 (13:04 IST)
સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબાજી યાત્રાધામ નાના અંબાજી તરીકે પ્રસિધ્ધ છે. જ્યાં મા અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને માંના ચરણોમાં મસ્તક નમાવી ધન્યતા અનુભવે છે. મહિસાસુરના અંત માટે પ્રગટ થયેલા માં અંબાજીનું ધામ છે આ ખેડબ્રમ્હા અને વર્ષોથી માં અંબા ભક્તોની તમામ પ્રકારની મનોકામના પુર્ણ કરે છે.દંતકથા અનુસાર અસુરોનો નાશ કરવા માટે ત્રિદેવ એટલે કે બ્રહ્માં, વિષ્ણુ અને મહેશે માં અંબાને અહિં પ્રગટ કર્યા હતાં. માન્યતા એવી પણ છે કે ખેડબ્રહ્માથી જ માં અંબા ગબ્બરમાં વસ્યા હતા. એટલા માટે જ આ મંદિરે પણ પૂનમ ભરવાનું અનેરું મહત્વ છે. ખેડબ્રહ્મામાં બિરાજમાન મા અંબાના સાતેય દિવસ જુદા જુદા વાહનની સવારી કરે છે અને જુદા જુદા સ્વરૂપમાં તેમના દર્શન થાય છે. જેમાં શનિવારે ચંડીકા સ્વરૂપમાં મા અંબાને કોઇપણ વાહન ઉપર બિરાજમાન કરવામાં આવતા નથી. બાકીના છ વારે જુદા જુદા વાહનની સવારી સાથે માતાજીના દર્શન થાય છે. જેમાં સોમવારે નંદીની સવારી ઉપર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરૂવારે હાથીની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે, શુક્રવારે ગરૂડની સવારી ઉપર વૈષ્ણવી સ્વરૂપે અને રવિવારે વાઘની સવારી ઉપર દુર્ગા સ્વરૂપમાં માઇ ભકતોને દર્શન થાય છે. દર પૂનમે કમળની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે દર્શન થાય છે. માતાના બધા જ સ્વરૂપના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લે છે. અહિં આરતીના દર્શન કરનાર ભક્તના મનની દરેક ઈચ્છા પૂરી થાય છે તેવું પણ લોકો માને છે.  

વેબદુનિયા પર વાંચો