અંબાજીમાં 10મી સપ્ટેમ્બરે યોજાશે ભાદરવી પૂનમનો મેળો

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (17:17 IST)
યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પુનમનો મહામેળો ભરાવનાર છે. ત્યારે અંબાજી આવતાં હજાર જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી આવશે. આ પદયાત્રીઓ માટે વહીવટીતંત્ર સાથે સુમેળભર્યુ વાતાવરણ બનેલું રહે અને સાથે જ યાત્રીકોને પુરતી સગવડ મળી રહે તે માટે ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા કલેકટર સાથે એક બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં પગપાળાં સંઘોનાં મુખ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીકોને પોલીસ મિત્ર બની સહકાર આપવાં અનુરોધ કરાયો હતો. જોકે મહામંડળનાં મહામંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતુ કે ભાદરવી મેળા દરમિયાન અંબાજીની ધર્મશાળાઓમાં લેવાતાં બેફામ ભાડાં અને મેળામાં જ્યારે 30 લાખ જેટલી મેદની ઉમટી પડતી હોય છે. ત્યારે વેપારીઓ એક્સપાયર ડેટની વસ્તુઓનું વેંચાણ કરતાં હોય અને ખાણીપીણીમાં પણ હલકી ગુણવત્તા વાળા આહાર વેંચતાં હોય છે. જે બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. ત્યારે કલેકટર જેનું દેવએ આ બાબતે પુરી તકેદારી રાખવાની ખાતરી આપી હતી.

વેબદુનિયા પર વાંચો