૨૦ વર્ષ બાદ ગુજરાતમાં ભાજપ માટે બે પડકારો દલિત અને પાટીદારો

સોમવાર, 25 જુલાઈ 2016 (12:02 IST)
૨૦ વર્ષ બાદ ગુજરાતમાં ભાજપના શાસન સામે ઉભા થયા છે મોટા પડકાર, હવે રાજ્યમાં નવા
તારણહારની તલાશમાં ભાજપનું પ્રદેશ નેતૃત્વ


ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે એક વર્ષ અને ૩ મહિના જેટલો સમય બાકી છે, પરંતુ જે હદે રાજ્યમાં રાજકારણ રમાઈ રહ્યું છે તેને જોઈને લાગે છે કે જાણે કે હમણાં જ રાજ્યમાં ચુંટણી આવી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. જે રીતે રાજ્યમાં દલિતો પર અત્યાચારના મામલે વિવાદ ઉભો થયો છે તે બાબત ભાજપ માટે સારા સંકેત નથી.

છેલ્લા બે દિવસમાં સામે આવેલી પરિસ્થિતિ પરથી સ્પષ્ટ થયુ છે કે આ ઘટનાક્રમમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને કથિતરૂપે તો આ દલિત પરિવારોને માર મારવાની પરમીશન પણ પોલીસ જ ગૌરક્ષકોને આપી હતી. એકબાદ એક રાજ્યમાં દલિતોને લગતા જે કેસો સામે આવી રહ્યા છે તે જોતા ગુજરાત મોડલનો ફુગ્ગો ફુટી ગયો છે.

જે ગામમાં દલીતો પર અત્યાચાર થયા તે ગામના સરપંચ ખુદ સ્વિકારી ચુક્યા છે કે તેઓ ગામમાં દલિતોને કુવામાંથી પીવાના પાણીની મંજુરી પણ આપતા નહતા. આ મામલે સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે તેમની આ કબુલાત અનેક સવાલો ઉભા કરી જાય છે. આ ઉપરાંત આ ઘટના બાદ જે રીતે દલિત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં જે આક્રોશ જોવા મળ્યો છે તે સ્પષ્ટ કરે છે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ માટેના ચઢાણો મુશ્કેલ છે.

ગુજરાત વિધાનસભાની આ ચુંટણી માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ પ્રતિષ્ઠાનો સવાલ છે. મોદી માટે તો એમ કહીએ કે એક-એક બેઠક મહત્વપૂર્ણ રહેવાની છે. ૧૯૬૦માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું  ત્યારથી લઈને ૯૦ના દાયકા સુધી રાજ્યનો દલિત સમાજ કોંગ્રેસના સાથે હતો. રાજ્યમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની જોડીએ કોંગ્રેસની આ મજબુત મતબેંક ગણાતી દલિત વોટબેંકમાં ગાબડુ પાડ્યુ હતું. ગુજરાતમાં દલિત મતદાતાઓનું પ્રમાણ ૭ ટકા છે.

જોકે, ૧૮૨ સીટો પૈકી માત્ર ૧૩ સીટો જ દલિતો માટે અનામત છે. જે ૧૩ સીટો પૈકી ૧૯૯૮ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ૮, ૨૦૦૨માં ૯, ૨૦૦૭માં ૧૧ અને ૨૦૧૨ની ચુંટણીમાં ૧૦ સીટો જીતી હતી. જેનો મતલબ સ્પષ્ટ છે કે, રાજ્યના દલિતો ભાજપ સાથે જોડાઈ ચુક્યા હતા.  તેમજ રાજ્યમાં ભાજપની સફળતા પાછળ આ સમાજનું પણ મોટુ યોગદાન હતું. રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ દલિતો માત્ર ૭ ટકા છે. જેથી તેઓ રાજકીય સ્તરે પોતાના દમ પર કોઈ મોટો પ્રભાવ પાડી શકે તેમ નથી.

પરંતુ અનામતની માંગ કરી રહેલ પાટીદારોની સંખ્યા રાજ્યમાં ૧૪ ટકા છે અને જો દલિતો અને પાટીદારો એકસાથે ગાબડુ પાડે તો ભાજપની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવા સમયે ભાજપ સામે રાજ્યમાં પોતાની આ બન્ને વોટબેંકોને મનાવવાનો પડકાર રહેશે. ભાજપમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું એકહથ્થુ શાસન ચાલે છે. પરંતુ ૨૦૧૨ની ચુંટણીમાં આ સ્થિતિ ડામાડોળ થતી દેખાઈ હતી.

જોકે, કોંગ્રેસ સ્થિતિનો ફાયદો ઉઠાવી શક્યુ નહીં અને ભાજપ ફરી એકવાર ચુંટણી જીતી ગયુ હતું. જોકે, તે ચુંટણીમાં ૩૫ બેઠક એવી હતી કે જ્યાં ભાજપની જીતનું માર્જીન માત્ર ૩ હજાર વોટથી પણ ઓછુ હતું. આ બેઠકો આગામી ચુંટણીમાં મહત્વનો રોલ ભજવી શકે છે. આ ઉપરાંત કેજરીવાલની પણ એન્ટ્રી થઈ રહી છે જે ભાજપ કે કોંગ્રેસ કોઈપણ એકની વોટ બેંક જરુર તોડશે તે નિશ્ચિત છે. ત્યારે હવે ફરીથી સઘડો મદાર નરેન્દ્ર મોદી પર છે, શું તે પોતાની આ વોટબેંકોને ભાજપ તરફી ખેંચી શકશે?

વેબદુનિયા પર વાંચો