રાજકીય મહેચ્છાને કારણે અડવાણીને સહન કરવું પડે તો નવાઇ નહી

મંગળવાર, 11 જૂન 2013 (11:31 IST)
P.R
ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી તેમણે પક્ષમાં ત્રણ મહત્વના પદ પરથી આપેલ રાજીનામાના પગલે સમગ્ર દેશના રાજકારણમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે ત્યારે ગુજરાત સાથેનો તેમનો નાતો ઘણા વર્ષો જુનો રહ્યો છે. વિશેષ કરીને ભારતના ભાગલા બાદ તેઓ સિંધ પ્રદેશમાંથી કચ્છ આવીને થોડોક સમય રહ્યા હતા. જો કે ગાંધીનગરની પ્રતિષ્ઠિત બેઠક પરથી ચૂંટણી લડ્યા બાદ ગુજરાતની સાથે તેમનો ફરીવાર નાતો બંધાયો હતો અને આ જ ગુજરાતના સોમનાથ મંદિરેથી તેમણે અયોધ્યા રામરથયાત્રા યોજીને ગુજરાતની સાથેના પોતાના સંબંધોને વધારે ઘનિષ્ઠ બનાવ્યા હતા. આ એ જ સોમનાથ મંદિર છે કે જ્યાં અડવાણીએ એવી જાહેર પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ સોમનાથ દાદાના દર્શન માટે આવશે. અલબત્ત, તેમણે અંદાજે 20 વર્ષ આ પ્રતિજ્ઞા પાળી પરંતુ ગયા વર્ષે રાજકીય કારણોસર તેમણે સોમનાથ આવવાનું ટાળ્યું હતું.

ભાજપના સૂત્રોએ અડવાણીના ગુજરાત સાથેના સંબંધોને વાગોળતા એમ પણ કહ્યું કે શું ગુજરાતમાં ભાજપના વરીષ્ઠ નેતા એલ. કે. અડવાણીની 2009ની લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી બની રહેશે? આ પ્રશ્ન કાર્યકરોમાં એટલા માટે ચર્ચાઇ રહ્યો છે કે તેમણે એક રીતે જોતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે સીધેસીધો રાજકીય મોરચો માંડ્યો છે ત્યારે એપ્રિલ-2014માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી ગુજરાતમાંથી ચૂંટણી લડવાની હિંમત નહી કરે અથવા તેમને એવા નિર્દેશો મળી શકે કે જો મોદીની સામે પડ્યા બાદ ગુજરાતમાંથી ચૂંટણી લડશો તો પરીણામ વિપરીત આવી શકે છે. કદાચ આ કારણોસર અડવાણીએ પણ ગુજરાતને બદલે મધ્યપ્રદેશમાંથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું હોય એમ પણ જણાઇ રહ્યું છે.

રાજકીય સૂત્રો કહે છે કે ગુજરાતની સાથે ભાજપના આ વરીષ્ઠ નેતાનો વર્ષો જુનો નાતો રહ્યો છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ સિંધ પ્રાંતમાંથી કચ્છના રસ્તે ગુજરાત આવ્યા હતા અને કચ્છના ગાંધીધામ આદીપુરમાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ દિલ્હી વસ્યા હતા. વર્ષો સુધી તેઓ દિલ્હીની બેઠક પરથી લોકસભામાં જીતતા હતા પરંતુ 1989ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે તેમની સામે બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઉભા રાખતા તેઓ ગુજરાત દોડી આવ્યા હતા અને ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને ગાંધીનગર બેઠકના ભાજપના તે વખતના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ગોધરા જવું પડ્યું હતું.

સૂત્રો કહે છે કે અડવાણીની ગાંધીનગરની બેઠક પસંદ કર્યા બાદ ગુજરાત ભાજપમાં તેમના માનસન્માન વધ્યા હતા. અડવાણીની ચૂંટણીનો ખર્ચ ભાજપ દ્વારા વહન કરાતો હતો. અડવાણીને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો નહોતો. છેલ્લી બે-ત્રણ ચૂંટણીનો કાર્યભાર પૂર્વગૃહમંત્રી અમીત શાહ સંભાળતા હતા. તે અગાઉ પક્ષના અન્ય વરીષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ તેમની ચૂંટણીનો કાર્યભાર સંભાળતા હતા. અડવાણી માત્ર ઉમેદવારી પત્ર ભરવા માટે આવતા હતા અને તેમને જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી ગુજરાત ભાજપના નેતાઓ ઉપાડતા હતા. ગુજરાત ભાજપના નેતાઓએ અડવાણીને એક વખત પણ હારવા દીધા નથી. એનડીએની સરકાર વખતે પણ તેઓ ગુજરાતમાંથી જીતીને દેશના નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.

સૂત્રો કહે છે કે 2001માં અડવાણીએ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીની પસંદગી કરીને ગુજરાત મોકલ્યા હતા ત્યારે તે વખતે કોઇને એવી કલ્પના સુધ્ધા પણ નહી હોય કે એક વખતના રાજકીય ગુરૂ-શિષ્ય વચ્ચે વડાપ્રધાન પદને લઇને મનભેદ અને મતભેદ સર્જાશે. મોદીએ વડાપ્રધાન પદની મહેચ્છા વ્યક્ત કરી અને આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યાં છે ત્યારે અડવાણી દ્વારા તેમના રસ્તામાં અંતરાયો સર્જવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંગ ચૌહાણને સંભવતઃ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હોય તેમ ચૌહાણની સરખામણી પક્ષના અન્ય વરીષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી સાથે કરી નાંખી. તેમના આ નિવેદનોના પગલે મોદી સમર્થકોમાં ભારે રોષની લાગણી સર્જાઇ છે અને મોદી જો જીદ કરીને ફરીથી ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કરે તો તેમને કદાચ પરાજીત થવું પડે. અડવાણીને પણ આ બાબતનો ખ્યાલ હોય તેમ તેઓ ચૌહાણના સહારે મધ્યપ્રદેશથી લોકસભાની ચૂંટણી લડવાની માનસિક કવાયત કરી રહ્યાં છે. કહેવાય છે કે તેઓ ભોપાલથી ચૂંટણી લડવાની વેતરણમાં છે.

સૂત્રો કહે છે કે 86 વર્ષીય અડવાણીને વડાપ્રધાન બનવાની રાજકીય મહેચ્છા જાગી છે. જો કે થોડાક સમય પહેલા કે એટલે કે પાકિસ્તાનમાં જઇને તેમણે ભારતના ભાગલા માટે જવાબદારીમાં મહોમંદઅલી ઝીણાની મઝાર પર જઇને માથું નમાવ્યું તેના પગલે તેમને સંઘ પરિવારનો રોષ વહોરવો પડ્યો હતો. સંઘના દબાણથી એક તબક્કે રાજકીય નિવૃત્તિની જાહેરાત પણ કરી નાંખી હતી પરંતુ વડાપ્રધાન બનવાની તેમની મહેચ્છા તેમને નિવૃત્ત થવા દેતી નથી તેમ તેઓ પણ રેસમાં જોડાયા છે. મોદી સમર્થકો તેમનાથી એટલા માટે પણ નારાજ છે કે તેમણે અન્ના હજારેના આંદોલન બાદ ભ્રષ્ટાચાર સામે જે રથયાત્રા શરૂ કરી હતી તે બિહારથી શરૂ કરી હતી અને મોદીના કટ્ટર હરીફ એવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની સાથે એકમંચ પર બેઠા હતા અને નીતિશકુમારના હસ્તે અડવાણીની ભ્રષ્ટાચાર વિરોધી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ એ જ અડવાણી છે કે જેમની 25 સપ્ટેમ્બર 1990ની રામરથયાત્રાનું સફળ સંચાલન નરેન્દ્ર મોદીએ જ સંભાળ્યું હતું. રાજકીય મહેચ્છાને કારણે અડવાણીને સહન કરવું પડે તો નવાઇ નહી એમ પણ ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો