હિન્દી સિરીયલ જેવી સ્ટોરીઃ સાસુએ વહુને બનાવી આઇએએસ ઓફિસર

સોમવાર, 16 જૂન 2014 (12:02 IST)
અમદાવાદમાં રહેતાં શકુંતલા વણજારા વિચરતી જ્ઞાતિનાં પરિવારમાં જન્મ્યાં હતાં અને એ જ્ઞાતિમાં છોકરીઓને સ્કૂલમાં જવાની છૂટ નહોતી. એથી શકુંતલાબહેન અભણ રહ્યાં, પણ ભણી-ગણીને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની પોતાની મહેચ્છાને તેમણે તેમની પુત્રીઓ તથા પુત્રવધૂને સિવિલ સર્વિસિસની એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરાવીને સાકાર કરી હતી.

મૂળ કર્ણાટકનાં સુધામ્બિકાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આ વર્ષે ૧૦૬૧મી રૅન્ક મેળવીને પાસ કરી છે અને આ સફળતામાં તેમના પરિવારજનો તથા ખાસ કરીને તેમનાં સાસુએ કરેલી મદદનો આભાર માનતાં તેઓ થાકતાં નથી. તેમનાં સાસુ શકુંતલાબહેને પુત્રવધૂને આ પરીક્ષામાં સફળતા અપાવવા માટે જ્ઞાતિનાં નિયંત્રણોને પડકારવાની હિંમત કરી હતી.

ભ્રષ્ટાચારમુક્ત વહીવટ માટે કામ કરવા ઇચ્છતાં સુધામ્બિકાએ જણાવ્યું હતું કે તૈયારી દરમ્યાન જ્યારે પણ હું કિચનમાં કામ કરવા પ્રવેશતી ત્યારે મારાં સાસુ મને ભણવા માટે લાઇબ્રેરીમાં મોકલી આપતાં હતાં.

લોકગાયિકા અને નૃત્યાંગના સુધામ્બિકાના પતિ હિંમત વણજારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના શોરૂમના માલિક છે.

શકુંતલાબહેન કહે છે, ‘હું એક ખેડૂતની દીકરી છું અને આજે પણ ખેતર તથા ઢોરઢાંખરની સંભાળ રાખું છું, પણ અભણ રહીને મેં કેટલું ગુમાવ્યું છે એનું ભાન મને પાછલાં વર્ષોમાં વારંવાર થયું છે. મેં જે સહન કર્યું એ મારા પરિવારની અન્ય મહિલાઓએ સહન કરવું પડે એવું હું નથી ઇચ્છતી.’

શકુંતલાબહેને તેમની પુત્રવધૂને જ નહીં, તેમની પુત્રીઓને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. શકુંતલાબહેનને બે પુત્રીઓ છે એ પૈકીની એક પરણીને મુંબઈમાં સ્થાયી થઈ છે અને બીજી મંજિતા વણજારા ગુજરાતમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ છે. શકુંતલાબહેન મંજિતા સાથે રહે છે. શકુંતલાબહેનના પતિ કે. જી. વણજારા અન્ય પછાત જ્ઞાતિ-લઘુમતી કલ્યાણ વિભાગના ઍડિશનલ સેક્રેટરી તથા ડિરેક્ટર તરીકે રિટાયર થયા છે.

વેબદુનિયા પર વાંચો