વડનગર માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત, વેપારીઓ બરબાદ થઈ જાય છે

શનિવાર, 30 ઑગસ્ટ 2014 (12:52 IST)
જિલ્લાનું વડનગર શહેર ઐતિહાસિક વિરાસત સમાન છે. એક જમાનામાં વડનગર વેપાર-વણજથી ધમધમતું હતું અને ગામડાના લોકો હટાણું કરવા વડનગરની મુલાકાતે આવતા હતા. ત્યારબાદ સાંપ્રત સમયમાં પણ વડનગરનું માર્કેટ યાર્ડ ધમધમતું હતું પણ વેપારીઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ કે છે કે માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત છે અને વેપારીઓ બરબાદ થઈ જાય છે. આ માન્યતાને કારણે માર્કેટ યાર્ડમાં વેપાર પડી ભાંગવા લાગ્યો વેપારીઓ પોતાનો કારોબાર સમેટવા લાગતા માર્કેટયાર્ડ સાવ પડી ભાંગ્યું છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એવા વડનગર શહેરનું એક સમયે ધમધમતું માર્કેટ યાર્ડ હાલ ભેંકાર ભાસી રહ્યું છે. આ સ્થિતિ સર્જવાનું કારણ વહેમનું ચક્કર છે વેપારીઓ અને ખેડૂતો એવું માની રહ્યા છે કે માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત છે અને આ જગ્યા પર જે કોઈ આવે તે બરબાદ થઈ જાય છે. આ માન્યતાના કારણે એક પછી એક વેપારીઓ તેમનો વેપાર-વણજનો કારોબાર સંકેલવા લાગ્યા. વહેમની કોઈ દવા નથી હોતી. ‘કાગનું બેસવું અને ડાળનું ભાંગવું’ એવો ઘાટ સર્જાયો. માર્કેટ યાર્ડમાં વેપાર કરતા વેપારીઓને કોઈ કારણસર નુકસાન થવા લાગ્યું. ઘણા વેપારીઓ બરબાદ થઈ જતાં માર્કેટયાર્ડની જગ્યા શ્રાપિત હોવાની વાત વહેતી થઈ. એટલે બાકીના વેપારીઓ પણ ડરના માર્યા પોતાના વેપાર-વણજને સંકેલવા લાગ્યા. જોકે શહેરના કેટલાક અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડની જગ્યા રોડથી ખૂબ દૂર હોવાથી ખેડૂતોને અહીં સુધી આવવું પોસાતું નથી પણ માર્કેટ યાર્ડ તો વર્ષોથી આ જ જગ્યા પર કાર્યરત હતું અને વેપાર-વણજથી ધમધમતું હતું. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે દૂર-દૂરથી આવતા હતા.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો

વેબદુનિયા પર વાંચો