મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા સરકાર હેલ્થ પોલિસી જાહેર કરશે

સોમવાર, 28 ડિસેમ્બર 2015 (17:17 IST)
રાજયમાં મેડિકલ ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસીની નીતિ તૈયાર કરાઇ રહી છે. માટેની એક બેઠક રવિવારે અમદાવાદમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. આગામી 15 દિવસમાં તેની જાહેરાત કરાઇ તેમ રાજયના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
 
છેલ્લા કેટલાક વર્ષોથી મેડિકલના એમબીબીએસ અભ્યાસક્રમની બેઠકો ઓછી હોવાની ફરિયાદો ઉઠતા ગુજરાત સરકારે નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે તનતોડ પ્રયાસ હાથ ધર્યા હતા. મેડિકલ કોલેજોની સંખ્યા વધ્યા પછી પણ મેડિકલ ટુરિઝમને જોઇએ તેટલું પ્રોત્સાહન ન મળતા ગુજરાત સરકારે ખાસ મેડિકલ પોલિસી ઘડવાની તૈયારી હાથ ધરી દીધી છે. તૈયારીના ભાગરૂપે અમદાવાદના શાહીબાગ વિસ્તારના એનેક્ષી ભવન ખાતે આરોગ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં એક બેઠક મળી હતી. બેઠકમાં રાજયની ખાનગી હોસ્પિટલના સંચાલકો, સરકારી હોસ્પિટલના તબીબો, ડિરેકટર સહિતના નિષ્ણાંતો હાજર રહ્યા હતા.
 
રાજયમાં નિષ્ણાંત તબીબો છે, પણ હોસ્પિટલ અને સાધનોના અભાવે દર્દીઓ અન્ય રાજ્યમાં જતા રહે છે. ગુજરાતના એનઆરઆઇ કે સમૃધ્ધ ગુજરાતીઓ અન્ય રાજયમાં જઇને સારવાર કરાવે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં હેલ્થ પોલીસી લાવીને હોસ્પિટલ ખોલવા માટે સહાય કરાશે. સરકાર હોસ્પિટલ સાથે આધુનિક સાધનો વસાવવા માટે સહાય કરશે. માટે કેવા પ્રકારની સહાય કેવી રીતે મળશે તેની જાહેરાત પોલિસીમાં કરાશે.
 

વેબદુનિયા પર વાંચો