માયાવતીએ અમદાવાદની મુલાકાતે, સિવિલ હોસ્પિટલમાં દલિત પીડિતોની લીધી મુલાકાત, સરકાર પર પ્રહારો કર્યાં

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (14:21 IST)
આજે અમદાવાદમાં ઉના કાંડમાં પ્રકાશમાં આવેલા  દલિત પીડિતોને મળવા આવેલા ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ તથા  બીએસપી ના સુપ્રીમો માયાવતીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉના કાંડના દલિતોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે પોતાના સંબોધનમાં  સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સારંગપુર ખાતે સંબોધન કરતાં કહ્યું કે, મારા વિરોધ પછી સરકાર જાગી અને વિરોધી પાર્ટીઓના આગેવાનો પણ પીડિતોને મળવા દોડી આવ્યા.જ્યારે ટીવીમાં વીડિયો જોયો તો મને લાગ્યું કે કોઇ મને કમર પર મારી રહ્યું છે. મને ઉના આવતાં અટકાવવા ષડયંત્ર પણ રચવામાં આવ્યું હતું.

તેઓ અમદાવાદ આવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉનાના ભોગ બનેલા દલિતોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે એરપોર્ટથી સીધા સારંગપુર પહોંચીને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

માયાવતીએ સંબોઘનમાં કહ્યું હતું કે ગૌરક્ષાના નામે દલિત સમાજના લોકોને માર્યા છે તેની સામે વિરોધ કરવા માટે આજે આપણે સૌ મોટી સંખ્યામાં અહીં ભેગા થયા છીએ. ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થયો એનો જ્યારે મેં ટીવીમાં વીડિયો જોયો તો મને એવું લાગ્યું કે કોઇ મને કમર પર જબરદસ્ત માર મારી રહ્યું છે. આ ઘટનાને લઈને મે પાર્લામેન્ટ ચાલવા ન દીધી ત્યાર બાદ સરકાર જાગી અને આ મામલે કાર્યવાહી કરવા માડી.  વિરોધી પાર્ટીઓના આગેવાનો પણ પીડિતોને મળવા દોડી આવ્યા. તેમણે એવું પણ કહ્યું હતું કે હું ઉના જ જવાની હતી, પણ સરકારના ષડયંત્રને લીધે હું ત્યાં ન જઇ શકી.

વેબદુનિયા પર વાંચો