પોલીસ વડા પોતે કહે છેઃ દારૂનાં બંધાણીઓ વધ્યા

સોમવાર, 22 જુલાઈ 2013 (13:00 IST)
P.R
મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે દેશમાં દારૂબંધી રહે. દેશભર માટે તો બાપુની આ ઇચ્છા ફળીભૂત ન થઈ, પણ ગુજરાતમાં ગાંધીજીની આ ઇચ્છાનો અમલ કરવામાં આવ્યો અને ગુજરાતને દારૂબંધીના નિયમોની વચ્ચે રાખવામાં આવ્યું. જોકે બાપુના આ જ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું અમલીકરણ નથી થતું એ જગજાહેર થઈ ગયું છે. ખુદ ગુજરાતના જ પોલીસ-જનરલ અમિતાભ પાઠકે પણ ગઈ કાલે સ્વીકાર્યું હતું કે ‘દારૂ પીનારાઓની સંખ્યા બહુ મોટી માત્રામાં વધી ગઈ હોવાથી આ કાયદાનો અમલ કરાવવાનું કામ બહુ અઘરું થઈ ગયું છે. બંધાણીઓ પોતાની રીતે શરાબની વ્યવસ્થા કરી જ લે છે. ગુજરાતમાં શરાબ લઈ આવવાના રસ્તાઓ બૂટલેગર નહીં પણ બંધાણીઓ શોધતાં હોવાથી એને પકડવાનું કામ અઘરું થઈ ગયું છે.’

છેલ્લા બે મહિનામાં ગુજરાતના સુરત જિલ્લામાં બે જગ્યાએથી અને રાજકોટ જિલ્લામાં એક જગ્યાએથી સાત કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. આ ઉપરાંત આ જ બે મહિના દરમ્યાન ગુજરાતમાં નાની-મોટી સોથી વધુ રેઇડ પાડીને વીસ કરોડ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો