ડ્રગ કૌંભાડમાં વઘુ પકડાયા

શુક્રવાર, 24 જૂન 2016 (12:58 IST)
કરોડો રૂપિયાના એફેડ્રિન ડ્રગ્સ કૌભાંડના આરોપી જય મુખીની મહારાષ્ટ્ર પોલીસે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ધરપકડ કરી હતી. ઉપરાંત સોલાપુરની એવોન કંપનીમાંથી ઝડપાયેલા ૨૦૦૦ કરોડના ડ્રગ્સના કેસમાં મેનેજર મનોજ જૈનની પણ ધરપકડ કરાઈ હતી. આ બંને આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા આજે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અમદાવાદ ખાતે લવાયા છે. પોલીસ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.

નરોડા વિસ્તારમાં ઝાક જીઆઈડીસીમાં એક ગોડાઉનમાંથી રૂ.૨૭૦ કરોડની મતાનું એફેડ્રિન નામનું ડ્રગ્સ બનાવવા વપરાતું મટીરિયલ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી એક આરોપીની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ મટીરિયલ મહારાષ્ટ્રના સોલાપુર ખાતેની એક કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું અને પૂ્ર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ અને તેના સાથી જય મુખીનું નામ બહાર આવ્યું હતું.
ગુજરાત એટીએસની માહિતીના આધારે સોલાપુર ખાતેથી મહારાષ્ટ્ર પોલીસે રૂ.૨૦૦૦ કરોડનું ડ્રગ્સ મટીરિયલ એવોન કંપનીમાંથી ઝડપી મનોજ જૈન, પુનિત સિંગરની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસે થોડા દિવસ અગાઉ જય મુખીને ઉત્તર પ્રદેશમાં ગોરખપુરથી ઝડપી લીધો હતો.

ગઈ કાલે ગુજરાત એટીએસની ટીમે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અમદાવાદ ખાતે લઈ આવી હતી. ડ્રગ્સ કૌભાંડમાં વિકી ગોસ્વામી, કિશોરસિંહ રાઠોડનું નામ ખૂલ્યું છે અને દુબઈ તથા કેન્યા ખાતે મિટિંગો ડ્રગ્સ માફિયા સાથે યોજાઈ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય બાબતે મિટિંગમાં ચર્ચા થઈ હોઈ તે બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો