ગુજરાતમાં મોટી હોડીઓ ઉપર પ્રતિબંધ

શુક્રવાર, 29 નવેમ્બર 2013 (11:39 IST)
P.R
ગુજરાતમાં ૩૨ ફૂટથી વધુ લંબાઇની એફઆરપી- ફાઇબર બોટ્સનું રજિસ્ટ્રેશન કરી આપવામાં આવતું નથી. રાજ્યમાં દરિયાકાંઠે ઔદ્યોગિક પ્રદુષણને કારણે માછીમારોને તેમની આજીવિકા મેળવવા દરિયામાં ઘણે દૂર જવું પડે છે. જ્યાં માત્ર મોટી બોટ્સ જ ઉપયોગમાં આવે તેમ હોઇ ગુજરાત સરકારે ૩૨ ફૂટથી વધુ લંબાઇની બોટ ઉપર મૂકેલા પ્રતિબંધને કારણે રાજ્યના માછીમારો હેરાન પરેશાન થઇ રહ્યા છે. તેમની રોજી છિનવાઇ રહી છે.

જૂનાગઢના માંગરોળના માછીમારોના આગેવાનોના જણાવ્યા પ્રમાણે, દેશમાં એકમાત્ર ગુજરાત સરકાર દ્વારા જ ૩૨ ફૂટથી વધુ લંબાઇની હોડીઓ ઉપર પ્રતિબંધ મૂકાયેલો છે, જેને કારણે એફઆરપી- ફાઇબર બોટ્સના ઉત્પાદન માટે દેશભરમાં માંગરોળ મથકને પારવાર નુકસાન થઇ રહ્યું છે, ઉદ્યોગ ભાંગી પડયો છે, સાથો સાથ ૨૫ હજારથી વધુ મછવારાઓ બેકાર બની ગયા છે.
આ માછીમારોએ સ્થાનિક કોંગ્રેસી આગેવાની હેઠળ મત્સ્યોદ્યોગ પ્રધાન, સચિવ તથા અન્ય અધિકારીઓને મળીને ગુજરાતમાં મૂકાયેલો પ્રતિબંધ તાત્કાલિક હટાવવા અને મોંઘવારીના સમયમાં માછીમારોને આજીવિકા માટે રાહત આપવા રજૂઆતો કરી હતી.
ગુજરાતના મત્સ્યોદ્યોગ વિભાગના સૂત્રોને માછીમારોને આ સમસ્યા અંગે પૂછતાં અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે, નાના માછીમારોને ૩૨ ફૂટ સુધીની એફઆરપી- ડ્રાઇવર બોટની પરમિશન અત્યારે ચાલુ છે, જ્યારે ઊંડે દરિયામાં માછીમારી માટે વપરાતા ટ્રોલર ટાઇપ બોટ્સના નવા રજિસ્ટ્રેશન અત્યારે બંધ છે, અલબત્ત જૂના ટ્રોલર બોટ્સ સામે રિપ્લેસમેન્ટના રજિસ્ટ્રેશન ચાલુ છે. એફઆરપી ડ્રાઇવર બોટ્સને ૫૦ ફૂટ સુધી પરમિશન- રજિસ્ટ્રેશન આપવાની માગણીઓ થઇ રહી છે, જે અંગે ગુજરાત સરકારને પ્રપોઝલ મૂકાઇ હતી અને તે હવે સક્રિય વિચારણા હેઠળ છે, તેમ આ સૂત્રોએ ઉમેર્યું હતું.

વેબદુનિયા પર વાંચો