ગુજકેટ લેવાઇ શકે છે

શનિવાર, 7 મે 2016 (12:27 IST)
સુપ્રીમ કોર્ટમાં ગુજરાતને ચાલુ વર્ષે મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાની મંજુરી મળે તેવા સંકેતો મળતાની સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવાની તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જે વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાનુ બાકી રહી ગયુ હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ફોર્મ ભરવાની મુદ્દત બે દિવસ વધારાઈ છે. જે મુજબ, આવા વિદ્યાર્થીઓ આગામી તારીખ ૭ મે અને ૮ મેના રોજ ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે.

આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડની ગાંધીનગર સ્થિત કચેરીનો સંપર્ક કરી પ્રવેશ પત્ર મેળવવાનો રહેશે. આ માટે કચેરી ખાતે નિયત પરીક્ષા ફી ૩૦૦ રૂપિયા ઉપરાંત લેટ ફી ૧ હજાર મળીને કુલ ૧૩૦૦ રૂપિયાની રકમનો રાષ્ટ્રીયકૃત બેંકનો અમદાવાદ ખાતે ચુકવવા પાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ સચિવ શ્રી, ગુજરાત કોમન એન્ટ્રન્સ સેલ ગાંધીનગરના નામે બોર્ડની કચેરીએ જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે આવેદન પત્ર ભરીને ૮ મેના સાંજે ૬ કલાક સુધી બોર્ડની કચેરીએ રુબરુ જમા કરાવી શકાશે. નોંધનીય છે કે, લેટ ફી સાથે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ કોઈપણ જિલ્લાના હશે તેમણે ગુજકેટની
પરીક્ષા ફરજીયાત ગાંધીનગર કેન્દ્રથી આપવાની રહેશે.આ સાથે જ ગુજકેટની પરીક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે.

આ સમય મર્યાદા સુધીમાં ફોર્મ ન ભરનાર વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં ગુજકેટની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મેડિકલ પ્રવેશ માટે નીટ અને ગુજકેટ પરીક્ષાને લઈ ચાલી રહેલ વિવાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાનુ રહી ગયુ હોવાના અહેવાલ મળ્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તૈયારી પણ શરુ કરી દીધી છે  અને નિર્ધારીત જાહેરાત મુજબ, આગામી મંગળવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, જેમાં રાજ્યભરમાંથી ૬૮ હજારથી વધુ વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે.

વેબદુનિયા પર વાંચો