આસારામ અને નારાયણ સાંઈની સંપત્તિ ૧૫ હજાર કરોડથી વધારે

શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:01 IST)
P.R
અમદાવાદ સ્થિત એક સાધકના ઘરેથી મળેલા મહત્ત્વના દસ્તાવેજોના ૪૨ જેટલા પોટલા ખોલીને તપાસ કરવામાં આવતા બળાત્કાર પ્રકરણમાં ઝડપાયેલા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ દ્વારા એકે-બે નહીં પરંતુ દસ હજાર કરોડના રોકાણની વિગતો ખૂલતા પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના જણાવ્યા અનુસાર ગત છ ઓક્ટોબરના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં બે પીડિતો દ્વારા આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી. સાંઇ સામેના કેસની તપાસ કરતી સુરત પોલીસની ખાસ ટીમને સાંઇ અમદાવાદના એક ફ્લેટમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ગત ૨૬ અને ૨૭મી ઓક્ટોબરના રોજ છાપો મારવામાં આવતા હાર્ડડિસ્ક, જમીનોના દસ્તાવેજ સહિત ૪૨ જેટલા પોટલાં ભરીને વાંધાજનક દસ્તાવેજ મળ્યા હતા. આ દસ્તાવેજોની સ્ક્રૂટીની કરવામાં આવતા પિતા-પુત્રના ટ્રાન્ઝેકશનોની વેલ્યુએશન ૯થી ૧૦ હજાર કરોડ જેટલી હોવાનું ખૂલ્યું હતું.

હાર્ડ ડિસ્કમાંથી ચાર હજાર કરોડના ટ્રાન્ઝેકશનો મળ્યા છે. આ રકમમાંથી લાખો રૂપિયા લોન તરીકે આપીને તેનું વ્યાજ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત ૮૦૦ બેંક એકાઉન્ટસની વિગતો મળી છે. જેમાં તેમણે વિદેશોમાં ૨૦૦ કરોડનું રોકાણ કર્યાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત કિસાનપત્રો, એલઆઇસી સહિત અન્ય જગ્યાએ ૫૦૦૦ કરોડના રોકાણની વિગતો ખૂલી છે. આ તમામ વિગતોની તપાસ કરવા માટે તમામ વિગતો ફેમાને સોંપવામાં આવશે. તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. બાપ-દીકરાએ ખરીદેલી જમીનોની કિંમત હજી કાઢવામાં આવી નથી જો જમીનોની કિંમત કાઢવામાં આવશે તો તેમની સંપત્તિ ૧૫ હજાર કરોડથી વધારે થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો