અભાગિયા શિશુને કચરાની પેટીમાં જવું નહીં પડે

સોમવાર, 20 મે 2013 (12:28 IST)
P.R


ગુજરાતમાં દોઢ-બે વર્ષ પછી કોઈ નવા જન્મેલા અભાગિયા શિશુને કચરાની પેટીમાં જવું નહીં પડે. ગુજરાતની ધરતી પર એક એવું વાત્સલ્ય ધામ આકાર લેશે કે આવા ત્યજાયેલા અનાથ બાળકો, સમાજમાં તરછોડાયેલી મહિલાઓ અને મરવાના વાંકે જીવતાં વૃધ્ધોને માત્ર આશરો જ નહીં પરંતુ એક નવું જીવન મળશે. અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અમદાવાદથી ડાકોરના રસ્તે અલીણા પાસે મહીસા ખાતે આ વાત્સલ્ય ધામનું 20 મેના રોજ સાંજે 4.00 વાગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન થશે.

વાત્સલ્યધામના પ્રેરક અને રામ જન્મભૂમિ ચળવળના જાણીતા સાધ્વી રૂતંભરા-દીદીમા અને વાત્સલ્યધામની જેમને જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના અગ્રણી પરેન્દુ ભગત(કાકુભાઈ)એ આજે અમદાવાદ ખાતે સ્પોર્ટસ ક્લબ ખાતે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે ડાકોર નજીક આકાર લેનાર આ વાત્સલ્યધામમાં અનાથ બાળકો-ત્યક્તા કે તરછોડાયેલી મહિલાઓ અને અનાથ-નિરાધાર તથા સંતાનો દ્વારા ઘરમાંથી દૂર કરાયેલા વૃધ્ધજનો એમ સમાજ જેમને બોજ ગણે છે તેમને આ ધામમાં આશરો મળશે. કુલ 100 ઘરોનું નિર્માણ કરાશે. અંદાજે 1500 લોકો પરિવારની લાગણી સાથે તેમાં રહીશકે તેવું આયોજન છે.

તેમણે કહ્યું કેપરિવારનો અભિગમ એવો છે કે આ ધામમાં અનાથ બાળકોની દેખરેખ તરછોડાયેલી મહિલાઓ લેશે. વૃધ્ધો તેમાં વડિલની ભૂમિકા નિભાવશે. તેમના માટે રહેવાની-જમવાની અને શિક્ષણની વ્યવસ્થા ધામમાં જ કરાશે. બાળકોને શિક્ષણની સાથે હુન્નરની તાલીમ પણ અપાશે. જેથી મોટા થઈને તેઓ પોતાના પગ ઉપર ઊભા રહી શકે. કોઈના ઉપર નિર્ભર રહેવું નહીં પડે. સમગ્ર ધામ માટે 80 વીઘા જમીન બજારભાવે ખરીદવામાં આવી છે. તે પેટે રૂ. અઢી કરોડ ચુકવાયા છે. સમગ્ર સંકુલમાં 100 ઘરોનું નિર્માણ, શાળા, દવાખાનું, હોસ્ટેલ તથા સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા વગેરે માટે કુલ મળીને અંદાજે 50 કરોડના ખર્ચ થાય તેમ છે.

વેબદુનિયા પર વાંચો