સર્જિકલ સ્ટ્રાઈકમાં ભૂલથી એલઓસી ક્રોસ કરનાર જવાનના દાદીનું હાર્ટ એટેકથી મોત

શનિવાર, 1 ઑક્ટોબર 2016 (12:57 IST)
એક બાજુ દેશના સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈક સર્જી છે આવા સમયે દેશનો BSFનો એક જવાન ભૂલથી લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) ક્રોસ કરી પાકિસ્તાનની હદ તરફ જતો રહ્યો છે. એલઓસી ક્રોસ કરનાર યુવાન મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના બોરવીહરી ગામનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની કરૂણતાએ છે કે યુવાને એલઓસી ક્રોસ કરી તે સમાચાર ન્યૂઝ ચેનલ મારફતે યુવાનની દાદીએ જોતા તેમને હૃદય રોગનો હુમલો થતાં મોત નીપજ્યું હતું. જવાનના દાદી તેમના મોટા ભાઈની સાથે જામનગરમાં રહેતા હતાં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતી આર્મ રેજીમેન્ટમાં ફરજ બજાવતો 23 વર્ષનો ચંદુ બાબુલાલ ચૌહાણ નાઓ કાશ્મીરમાં પૂંછ સેકટરમાં ફરજ બજાવતા હતાં ત્યારે ભૂલથી પાકિસ્તાનની સેનામાં પ્રવેશી ગયો હતો. આ દરમ્યાન તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજીબાજુ ભારતીય સેનાના અધિકારીએ ચંદુનાભાઈ ભૂષણને ફોન કરી ચંદુ ઘરે પાછો ફર્યો છે કે કેમ તે અંગે પૂછપરચ્છ કરી હતી. પરંતુ ચંદુ ઘરે આવ્યો નથી. આ સમગ્ર ઘટનાક્રમ પરિવાર સામે આવતા ઘરના સભ્યો પણ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ ચંદુના 65 વર્ષના દાદી લીલાબાઈ પાટીલે સમાચાર જોતા તેમને ધ્રાસકો લાગ્યો અને હૃદય રોગના હુમલાથી તેમનું મોત થયું હતું. હાલ લીલાબાઈ જામનગર ખાતે ચંદુના મોટાભાઈ ભૂષણ બાબુલાલ ચૌહાણ  સાથે રહેતા હતા. ભૂષણ દેશની મરાઠા બટાલીયનમાં સૈનિક તરીકે ફરજ બજાવે છે. હાલ ગુજરાત રાજ્યના જામનગર ખાતે તેનું પોસ્ટીંગ હતું. તેના દાદી પણ તેમની સાથે રહેતા હતા. લીલાબાઈ પાટીલના અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ જામનગરથી ધૂલિયા લાવવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શુક્રવારના રોજ જામનગરથી મૃતદેહ લઇને વતન જવા રવાના થઇ ગયા હતા અને તેમની અંતિમવિધિ કરાશે.

વેબદુનિયા પર વાંચો