અન્‍ના હઝારે કહે છે, અબ, અચ્‍છે દિન આને વાલે હૈ

શુક્રવાર, 30 મે 2014 (13:47 IST)
સામાજીક કાર્યકર અન્‍ના હઝારેએ કેન્‍દ્રમાં ભાજપના નેતૃત્‍વવાળી સરકારના ભરપેટ વખાણ કર્યા છે. અન્‍નાએ કહ્યુ છે કે, એવુ લાગે છે કે હવે અચ્‍છે દિન આને વાલે હૈ, તો બીજી તરફ અન્‍નાએ કેજરીવાલ ઉપર તડાપીટ બોલાવી છે. અન્‍નાએ કહ્યુ છે કે કેજરીવાલ ભટકી ગયા છે અને હવે તેમને લાગે છે કે હું વડાપ્રધાન બનીશ.

   અન્‍ના હઝારેએ આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે નવી સરકારે ભવિષ્‍ય માટે એક આશાજનક તસ્‍વીર લોકો સામે રાખી છે તેનાથી એવુ લાગે છે કે હવે સારા દિવસો આવશે. સાથોસાથ અન્‍નાએ એમ પણ કહ્યુ હતુ કે હાલમાં રચવામાં આવેલ અસલી આઝાદી અભિયાન આવતા ૪ થી ૬ મહિના સુધી મોદી અને તેમના પ્રધાનો ઉપર બારીકાઇથી નજર રાખશે. જો આ સરકાર પણ લોકોને આપેલા વચનો પુર્ણ કરવામાં નિષ્‍ફળ રહેશે તો અમે દેશભરમાં આંદોલન કરશુ.

   નરેન્‍દ્ર મોદીએ પ્રધાનોને પીએ તરીકે સગા-સંબંધીઓને નહિ રાખવાના આપેલા આદેશોને અન્‍નાએ વખાણ્‍યા છે. એવુ લાગે છે કે મોદી પાસે વિઝન છે. અન્‍નાએ એમ પણ કહ્યુ છે કે પુર્ણ બહુમતીવાળી સરકાર ખિચડી સરકારના મુકાબલે વ્‍યાપક રીતે દેશમાં વિકાસના કામો કરી શકે છે.

   અન્‍નાએ કહ્યુ છે કે દેશના લોકો ભ્રષ્‍ટાચારથી ત્રસ્‍ત છે એવામાં સરકારે પહેલી વખત કાળા નાણા પર સીટની રચના કરી સારા સંકેતો આપ્‍યા છે. અગાઉની સરકાર આવુ કરી શકી ન હતી. આવુ એટલા માટે નહોતુ થયુ કે, કૌભાંડમાં સામેલ લોકો સરકારમાં પ્રધાનો હતા અને આ જ કારણે યુપીએ સરકારને જવુ પડયુ.

   અન્‍નાએ કહ્યુ છે કે મોદીને વિજય તેમની પ્રતિભા અને બોલવાની ક્ષમતાને કારણે મળ્‍યો. અન્‍નાએ કહ્યુ છે કે મોદીને પીએમ બનાવવામાં કોંગ્રેસની નિષ્‍ફળતાનું પણ યોગદાન છે. અન્‍નાએ કહ્યુ હતુ કે લોકો હવે વંશવાદવાળી સરકાર નથી ઇચ્‍છતા. અન્‍નાએ એમ પણ કહ્યુ છે કે કોંગ્રેસ માતા અને પુત્રનો પક્ષ છે જે હવે પુત્રીને આગળ કરવા મજબુર છે. મોદીના શપથગ્રહણ સમારોહમાં નહિ સામેલ થવા અંગે અન્‍નાએ કહ્યુ હતુ કે મને આમંત્રણ નહોતુ પરંતુ મેં મીડીયા થકી મોદીને શુભેચ્‍છા પાઠવી છે.

   અન્‍નાએ કેજરીવાલ અંગે કહ્યુ હતુ કે, મને ખબર હતી કે વારાણસીમાં મોદી સામે કેજરીવાલ હારી જશે. કેજરીવાલને જોયુ કે, લોકોએ મત આપી દિલ્‍હીના મુખ્‍યમંત્રી બનાવ્‍યા છે તો હવે દેશના વડાપ્રધાન પણ લોકો બનાવી દેશે. મેં કેજરીવાલને કહ્યુ હતુ કે પાંચ વર્ષ સુધી દિલ્‍હીમાં કામ કરો અને પછી તેને દેશમાં દોહરાવો. પરંતુ હવે તેમની સોચ બદલાઇ ગઇ છે. હવે તેઓ કબુલ કરે છે કે તેમનાથી ભુલ થઇ ગઇ છે. સાથોસાથ કેજરીવાલને પુરાવા વગર કોઇને ભ્રષ્‍ટ કહેવાનો અધિકાર પણ નથી. જેમના પર ખોટો આરોપ મુકી રહ્યા છે તેઓ માનહાનીનો કેસ કરશે અને કોર્ટ ધરપકડનો આદેશ પણ આપશે.

 

વેબદુનિયા પર વાંચો