રશિયામાં પુતિનની જીત વિશે પશ્ચિમી દેશોએ શું કહ્યું?

મંગળવાર, 19 માર્ચ 2024 (11:35 IST)
રશિયા સાથે ક્રાઇમિયાના જોડાણને 10 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લઈ રહેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ઘટનાને બિરદાવી હતી.
 
તેમણે કહ્યું હતું કે ક્રાઇમિયા રશિયા સાથે જોડાયું અને પછી રશિયા સાથે હાથમાં હાથ પરોવીને આગળ વધી રહ્યું છે.
 
પુતિન મૉસ્કોના રેડ સ્ક્વેર ખાતે ચૂંટણીમાં જીત મળ્યા બાદ હજારો લોકોને સંબોધી રહ્યા હતા. જોકે, આ ચૂંટણીની પશ્ચિમી દેશોની સરકારોએ નિંદા કરી હતી.
 
યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ લૉર્ડ કૅમેરોને કહ્યું હતું કે, “એવી ચૂંટણી કે જેમાં વિપક્ષના સભ્યોને ચૂંટણીમાં ભાગ જ ન લેવા દેવામાં આવ્યો હોય એ દર્શાવે છે કે પુતિનના શાસનમાં લોકોને કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે.”
 
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુક્રેનના કબ્જે કરેલા ભાગમાં પણ ચૂંટણીઓનું રશિયાએ આયોજન કર્યું હતું જે ખુલ્લેઆમ યુએનના ચાર્ટર અને યુક્રેનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.
 
જર્મનીએ આ ચૂંટણીને ‘સ્યૂડો ઇલેક્શન’ ગણાવી હતી તો અમેરિકાએ તેને ‘અપારદર્શી’ ગણાવી હતી.
 
અહીં ઉલ્લેખનીય છે કે ક્રાઇમિયાના આ દ્વીપકલ્પને રશિયા સાથે 2014માં જોડવામાં આવ્યો હતો. આ ઘટના યુક્રેન પર રશિયાના સંપૂર્ણ આક્રમણ અને તેના ડૉનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયા પ્રદેશોને જપ્ત કર્યાના આઠ વર્ષ પહેલા બની હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર