તુર્કી ભૂકંપમાં મૃતકોની સંખ્યા 12 હજાર પહોંચી, અર્દોઆને કર્યો સરકારનો બચાવ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (16:22 IST)
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ભૂકંપ બાદ સ્થિતિ કાબુમાં લાવવા અંગે થઈ રહેલા સવાલો પર સરકારનો બચાવ કર્યો છે.
 
તેઓએ કહ્યું કે, આટલા સ્તર સુધી આપત્તિ માટે તૈયાર રહેવું અશક્ય છે.
 
તુર્કી અને ઉત્તર સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 12 હજાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
 
ટીકાકારોનું કહેવું છે કે, ઇમરજન્સી સેવાઓ ધીમી ગતિએ કામ કરી રહી છે અને સરકારની તૈયારી પણ યોગ્ય નથી.
 
રાષ્ટ્રપતિ અર્દોઆને સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ હવે સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
 
જોકે તુર્કીની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા કેમાઇલ કુલુચતરોલો આ વાત સાથે અસહમત છે.
 
તેઓએ કહ્યું છે કે, “જો કોઈ આ માટે જવાબદાર છે, તો તે અર્દોઆન છે.”
 
રાષ્ટ્રપતિએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, આપત્તિના સમયે એકતા જરૂરી છે. તેઓએ રિપોર્ટ્સ દ્વારા કહ્યું છે કે,“આવી સ્થિતિમાં મારા માટે એવા લોકોને સહન કરવા મૂશ્કેલ છે, જેઓ રાજકીય લાભ માટે નકારાત્મક અભિયાન ચલાવે છે.
 
ભૂકંપ બાદ તુર્કી અને સીરિયા વચ્ચે બાબ અલ-હવા ક્રૉસિંગ સંપૂર્ણપણે બંધ છે અને રસ્તાઓ તૂટી ગયા છે.
 
સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ કહ્યું કે, રસ્તાઓ ટૂંક સમયમાં સરખા થઈ જશે. તુર્કીના વિદેશ મંત્રી મેવલૂત ચેવૂશોગલૂએ પુષ્ટિ કરી છે કે દેશ બંને બાજુની સરહદો ખોલી શકે છે, જેથી સીરિયા સુધી મદદ પહોંચાડી શકાય.
 
યુરોપીય સંઘએ પુષ્ટિ કરી છે કે તેઓ સરકારની વિનંતી પર સીરિયામાં 35 લાખ યૂરો (31 કરોડ રૂપિયા) ની મદદ મોકલી રહ્યું છે, પરંતુ આ મદદ સરકાર અને વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના જ વિસ્તારોમાં પહોંચવી જોઈએ.
 
ઇદબિલ પ્રાંતમાં 1500થી વધુ લોકો માર્યા ગયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સલાહકારે કહ્યું કે, પ્રતિબંધોના કારણે સીરિયાને જરૂર પ્રમાણે મદદ મળી રહી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર