આ પહેલાં હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલ અને બેલફાસ્ટમાં દુકાનોને લુટવામાં આવી અને પોલીસ અધિકારીઓ પર પણ હુમલાઓ થયા હતા. જોકે, બધા જ પ્રદર્શનકારીઓ હિંસક નહોતા.
પ્રદર્શન દરમિયાન લિવરપૂલમાં પોલીસ પર ઇંટો, બૉટલો અને ફ્લેયર ફેંકવામાં આવ્યાં હતાં. એક પોલીસ અધિકારી પર ખુરશી ફેંકવામાં આવી હતી જેને કારણે તેને ઇજા થઈ હતી. બીજા પોલીસકર્મીઓને લાત મારીને બાઇક પરથી પાડી દેવાયા હતા.
મર્સીસાઇડ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું, "બે પોલીસ કર્મચારીઓને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક કર્મચારીનું નાક અને બીજા કર્મચારીનું જડબું તૂટી ગયું હોય તેવી શંકા છે."
મર્સીસાઇડ પોલીસે કહ્યું કે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બ્રિટનની સરકારના મંત્રીઓની શનિવારે થયેલી બેઠકમાં વડા પ્રધાન કિએર સ્ટાર્મરના પ્રવક્તાએ કહ્યું હતું, "વડા પ્રધાને પ્રદર્શન કરી રહેલા લોકોને કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અને આપણે જે હિંસા જોઇ રહ્યા છીએ એ બંને અલગ છે."