7 મુસ્‍લિમ દેશોના નાગરિકો પ્રતિબંધ મુકવાના નિર્ણયથી Google નારાજ

રવિવાર, 29 જાન્યુઆરી 2017 (08:26 IST)
ભારતીય મૂળના ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તરફથી જારી કરવામાં આવેલી નવી વિઝા પોલિસીની જોરદાર નિંદા કરી છે. આજે જારી કરવામાં આવેલી નવી નીતિ હેઠળ સાત મુસ્‍લિમ દેશોના નાગરિકોને આગામી ત્રણ મહિના સુધી વિઝા નહીં આપવાનો આદેશ કરવામાં આવ્‍યો છે. ટ્રમ્‍પ સરકારના આ કઠોર નિર્ણય બાદ ગુગલે પોતાના ટ્રેવલીંગ સ્‍ટાફને અમેરિકા પરત બોલાવી લેવાની જાહેરાત કરી છે.

કંપનીના સીઈઓ સુંદર પીચાઈએ કહ્યું છે કે મુસ્‍લિમ બહુમતીવાળા દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયથી અમેરિકામાં આવનાર ટેલેન્‍ટ માટે અડચણ સમાન છે. પીચાઈ ઉપરાંત ફેસબુકના સ્‍થાપક માર્ક જકરબર્ગ અને નોબેલ પુરસ્‍કાર વિજેતા મલાલા યુસુફજાઈએ પણ ટ્રમ્‍પના વહીવટીતંત્રની નિંદા કરી છે. પિચાઈએ સ્‍ટાફને મોકલેલા ઈમેલમાં કહ્યું છે કે સાત મુસ્‍લિમ દેશોના નાગરિકોના યુએસ આવવા ઉપર અસ્‍થાયી પ્રતિબંધના નિર્ણયથી ગુગલના આશરે ૧૮૭ કર્મચારીને અસર થશે. વોલ સ્‍ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ આ આદેશના અસરને લઈને અમે ચિંતાતૂર થઈ ગયા છીએ. ગુગલના કર્મચારી અને તેમના પરિવારના સભ્‍ય પર પ્રતિબંધના કોઈપણ પ્રકારના આદેશથી નિરાશા ફેલાશે. આનાથી અમેરિકામાં સારા કુશળ લોકોની એન્‍ટ્રી પર બ્રેક મુકાશે. પીચાઈએ કહ્યું છે કે આ દુઃખદ બાબત છે કે કારોબારી આદેશના પરિણામ અમારા સહકર્મચારીઓને ભોગવવાના રહેશે.

વેબદુનિયા પર વાંચો