અમેરિકન હુમલામાં મરનારાઓની સંખ્યા વધીને 53 થઈ, હુતી બળવાખોરોનો દાવો
સોમવાર, 17 માર્ચ 2025 (15:50 IST)
યમનના હુતી વિદ્રોહીઓએ જણાવ્યું કે અમેરિકન હવાઈ હુમલામાં મરનારાઓની સંખ્યા 53 થઈ ગઈ છે.
બળવાખોરોના આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે.
અમેરિકાએ શનિવારે જણાવ્યું હતું કે હુતી બળવાખોરો સામે 'નિર્ણાયક અને શક્તિશાળી' હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "રાતા સમુદ્રમાં બળવાખોરો જહાજો પર હુમલા કરે છે તેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."
અમેરિકા તરફથી જણાવાયું હતું કે અમેરિકન હુમલામાં મૃત્યુ પામનારાઓમાં હુતી વિદ્રોહીઓના કેટલાક ટોચના નેતાઓ સામેલ છે. જોકે, હુતી તરફથી આની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ દરમિયાન હુતી બળવાખોરોના નેતા અબ્દુલ મલિક અલ-હુતીએ જણાવ્યું કે જ્યાં સુધી યમનમાં અમેરિકાનો હુમલો જારી રહેશે ત્યાં સુધી તેઓ રાતા સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.