અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડને સ્વીકાર્યું કે ટ્રમ્પ વિશે તેમની ટિપ્પણી એક ભૂલ હતી
બુધવાર, 17 જુલાઈ 2024 (10:06 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્રમ્પ વિશે આપેલા એક નિવેદન અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પને નિશાન પર લેવાનો સમય આવી ગયો છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા હુમલાના થોડાક દિવસો પહેલાં બાઇડને પોતાના એક નિવેદનમાં આ વાત કરી હતી. આ હુમલા દરમિયાન એક ગોળી ટ્રમ્પના કાનને અડીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકોને ઇજા થઈ હતી.
બાઇડને ટ્રમ્પ પર થયેલા હુમલા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાની ભૂલને સ્વીકારી હતી. જોકે, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કરેલી ટિકા-ટિપ્પણીનો બચાવ કર્યો હતો અને જણાવ્યું કે શું કામ તે મહત્ત્વપૂર્ણ છે.
રાષ્ટ્રપતિ બાઇડને એનસીબી ચૅનલમાં લેસ્ટર હોલ્ટને જણાવ્યું કે મારાં ચૂંટણી અભિયાનની ફરજ છે કે તે લોકોને ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો કેવા ખતરા પેદા થશે તેના વિશે જણાવે. બાઇડને કહ્યું કે અમારી વાતોને ખોટા અર્થમાં ન લેવી જોઇએ.
બાઇડને કહ્યું કે મારી ટિપ્પણીનો અર્થ હતો કે ડેમૉક્રેટ્સે ટ્રમ્પની ખોટી નીતિઓ અને ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી ખોટી ટિકા-ટિપ્પણીઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
આ ઇન્ટરવ્યુ દરમિયાન બાઇડને ફરીથી સ્પષ્ટતા કરી હતી કે ડિબેટમાં ખરાબ પ્રદર્શન અને પાર્ટીના લોકો દ્વારા માંગણી કરવા છતાં તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટશે નહીં.
તેમણે કહ્યું કે હું વૃદ્ધ છું, પરંતુ ટ્રમ્પ કરતાં માત્ર ત્રણ વર્ષ જ મોટો છું. તેમણે પોતાની માનસિક સ્થિતિને ઠીક ગણાવીને પોતાની સિદ્ધીઓ ગણાવી હતી. આ સાથે જે તેમણે સ્વીકાર્યું કે તેઓ અમેરિકાના લોકોને ખાતરી આપે છે કે તેઓ સ્વસ્થ છે.