યુક્રેનના પાવરપ્લાન્ટ પર રશિયન મિસાઇલના હુમલા બાદ વીજળી બચાવવાની અપીલ

રવિવાર, 16 ઑક્ટોબર 2022 (13:28 IST)
યુક્રેનની રાજધાની કિએવ પાસે આવેલા એક પાવરપ્લાન્ટ પર રશિયાએ મિસાઇલથી હુમલો કર્યો છે. ત્યાર બાદથી કિએવના લોકોને સાંજના સમયે વીજળીનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે.
 
જોકે, અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે રશિયાના આ હુમલા બાદ વીજપુરવઠો ફરીથી સ્થાપિત કરી દેવાયો છે. એમ છતાં યુક્રેનિયન વીજકંપની 'યુક્રેનર્જો'એ લોકોને સાંજે પાંચથી 11 વાગ્યા સુધી વીજવપરાશ ઘટાડવાની અપીલ કરી છે.
 
આ માત્ર કિએવ પૂરતું સીમિત નથી.
 
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ઉપપ્રમુખ કાઇરિલો તિમોશેંકોએ કહ્યું કે ઝાઇટૉમિર, ચર્કાસી અને ચેર્નિહાઇવના લોકોને પણ વીજવપરાશ પર અંકુશ રાખવાનું જણાવાયું છે.
 
તેમણે ટેલિગ્રામ પર કહ્યું, "જો આ સલાહને નજરઅંદાજ કરવામાં આવશે તો સમસ્યા સર્જાઈ શકે છે અને મીણબત્તીનો સહારો લેવો પડી શકે છે."
 
યુક્રેનર્જોએ વીજળી બચાવવા માટે વધુ વીજળી વાપરતાં ઉપકરણોનો ઉપયોગ ન કરવા અને બિનજરૂરી લાઇટો બંધ રાખવા આગ્રહ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર