ફાસ્ટફૂડ યુગમાં ખોરાક લેતી વખતે મન ઉપર હૃદયનો કાબૂ રાખવો જરૂરી

બુધવાર, 18 માર્ચ 2015 (15:26 IST)
માર્ચ માસને વિશ્ર્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય ન્યુટ્રિશન માસ’ તરીકે ઉજવવામાં આવે છે. ઝડપી યુગમાં જીવનની ઝડપમાં ક્યાંક પૌષ્ટિક આહારની અગત્યતા વિસરાઈ જાય નહીં. તે માટે આ વર્ષનું સૂત્ર આપવામાં આવ્યું છે ‘બાઈટ ઈન ટુ હેલ્ધી લાઈફસ્ટાઈલ’( સ્વાસ્થ્ય સુધારવા પોષક ખોરાક આરોગો).

સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક ખોરાક એ માનવજીવનને લાંબું ટકાવી રાખવા જરૂરી મનાય છે. એવું કહેવાય છે કે પોષક ખોરાક શરીરને કસદાર બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. વર્તમાનમાં વારંવાર સાંભળવા મળતા રોગ જેવા કે ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ, હૃદય રોગ કે મોટાપા જેવી બીમારીથી બચવા માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે. ખોરાકમાં નાના પ્રમાણમાં બદલાવ કરવાથી પણ સ્વાસ્થ્યમાં ફેરફાર કરી શકાય છે.

અર્વાચીન યુગમાં ક્મ્પ્યુટર ઉપર, ટેલિવિઝન, અખબારો, સામયિકો અને પુસ્તકોમાં મોટા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક અપનાવવાની વિવિધ સલાહ આપવામાં આવેલી હોય છે. જે ઘણીવાર સામાન્ય માનવીને ગૂંચવાડામાં મૂકી દેતી હોય છે. આ સમયે એક સામાન્ય વાત ધ્યાનમાં રાખવાથી વિવિધ પ્રશ્ર્નોના જવાબ મેળવવામાં સરળતા રહે છે. સૌ પ્રથમ આહાર બને તેટલો સાદો રાખવો. વળી જ્યારે પણ ખોરાક લેવામાં આવે ત્યારે, તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને યોગ્ય માત્રામાં ફેટ લેવી જોઈએ. ત્રણે શરીરને ટકાવી રાખવામાં સરખો ભાગ ભજવે છે. શરીરની પ્રક્રિયાને સંતુલિત બનાવે છે. કાર્બોહાઈડ્રેટ શરીરને શક્તિ પ્રદાન કરે છે. બ્રાઉન રાઈસ, બટાકા, શક્કરિયાં અને કઠોળ સપ્રમાણ માત્રામાં લેવા જોઈએ. લીલા શાકભાજી અને ઋતુ પ્રમાણે મળતાં ફળો યોગ્ય માત્રામાં લેવા જોઈએ. ફળો મોંઘાં મળે છે. તેમ કહીને મોટેભાગે તેની પાછળ ખર્ચ કરવાનું ટાળવામાં આવતું હોય છે. બીમારી આવતાં દવાઓ ઉપર ખર્ચ કરવામાં આવે ત્યારે પસ્તાવો થાય કે આવી રીતે રૂપિયા જાય તેના કરતાં તાજા ફળ અને શાકભાજી ઉપર ખર્ચો કરવો સારો. પ્રોટીનથી ભરપૂર આહાર દિવસમાં દર ત્રણ કલાકે લેવો જોઈએ. જેને કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહેશે. થોડા થોડા સમયને અંતરે ફળ, સૂકો મેવો, ખારીસિંગ-ચણા, મમરા-પૌઆ કે ચીઝનો એક ટુકડો પણ લેવાથી શરીર સ્ફૂર્તિ અનુભવે છે. ભૂખને સંતોષવા માટે જે હાથમાં આવ્યું તે ખાઈ લીધું, તેવો દૃષ્ટિકોણ બદલીને પ્રોટીનયુક્ત ખોરાક શરીર માટે દવાનું કામ કરશે તેવું વિચારીને જો પ્રમાણસર આહાર લેવામાં આવે તો આજે ઠેરઠેર સાંભળવા મળતા રોગથી બચી શકાય.

૧૯૭૩થી નેશનલ ન્યુટ્રિશનલ સપ્તાહ ઉજવવામાં આવતો હતો. ૧૯૮૦થી મોટા પાયે જાગૃતિ આવે તે હેતુથી સપ્તાહની ઉજવણીને વધારીને એક માસની કરવામાં આવી. જેમાં યોગ્ય માત્રામાં આહારને અપનાવવાની સાથે શરીરને પોષક તત્ત્વો મળી રહે તેનું ધ્યાન રહે તેવો ખોરાક લેવાની ટેવ પાડવી જોઈએ. જીભને ગમે તે નહીં પણ સ્વાસ્થ્યને સુધારે તેવો ખોરાક જ લેવો તેવી આદત પડે તે ફાસ્ટફૂડના યુગમાં જરૂરી છે. ખોરાક લેતી વખતે પણ મન ઉપર હૃદયનો કાબૂ રહે તે જરૂરી છે.

આજે વડાપાંઉ ખાવાનું મન થયું , ખાઈ લીધા. બે દિવસ રહીને સમોસાનો સ્વાદ માણ્યો. પાંચમે દિવસે માખણથી ભરપૂર પાંઉભાજીની જ્યાફત લીધી. રવિવારે ઘરમાં શીરો-પૂરી અને ભજિયા આરોગ્યાં. આમ વારંવાર તળેલો અને બહારનો મસાલાથી ભરપૂર ખોરાક નાની ઉંમરમાં લેવાથી આધુનિક રોગનો ભોગ બનીને પસ્તાવાનો સમય પણ રહેતો નથી. અમેરિકાની શાળામાં પણ આ માસમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ખોરાક ફરજિયાત આપવામાં આવે છે.

બટાકાની ચીપ્સ, બર્ગર, પિત્ઝા જેવી ચરબી વધારતી ખાદ્ય વસ્તુઓથી બાળકોને દૂર રાખવા માટે તેમનાં માતા-પિતાને પણ સલાહ આપવામાં આવે છે. ઘણીવાર આપણે વડીલોને એવું કહેતા સાંભળ્યા હોય છે કે ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે’. માનસિક શાંતિ માટેનું મુખ્ય દ્વાર પણ જઠર ગણાયું છે. સ્વાદની ગુલામી છોડીને સ્વાસ્થ્યને સુધારવાની ઈચ્છા હોય તો પૌષ્ટિક આહાર અપનાવવો જ રહ્યો.

વેબદુનિયા પર વાંચો