શું તમારી આખી રાત આમથી તેમ પડખા ફરીને જ વિતાવો છો? ઊંઘ નથી આવતી? તો થઇ જાઓ સાવધાન! કારણ કે વૃદ્ધાવસ્થામાં આના કારણે તમારી યાદશક્તિ ખોરવાઇ શકે છે અને આ પરિસ્થિતિ અલ્ઝાઇમરનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનમાં સંશોધકોએ જાણ્યું કે આધેડ વયના જે લોકોની રાતે સતત ઊંઘ તૂટતી રહે છે તેમને લાંબાગાળે અલ્ઝાઇમરનો સામનો કરવો પડી શકે છે.
સંશોધનના શરૂઆતના પરિણામો જણાવે છે કે ઊંઘ સંબંધી સમસ્યાઓનો સમયસર નિકાલ કરવામાં આવે તો તે મગજ માટે ફાયદાકારક રહે છે. સંશોધનના પરિણામો એપ્રિલમાં અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીમાં રજુ કરવામાં આવશે.
સંશોધક યો એલ જુના હવાલેથી 'લાઇવ સાયન્સ'એ લખ્યું છે, "વધારે ઊંઘવું કે સારી ઊંઘ લેવાથી કોઇ જોખમ નથી સર્જાતું પણ ઓછી ઊંઘ લેવાથી કે સતત ઊંઘ તૂટવાથી લાંબાગાળે ચોક્કસ સમસ્યાઓ સર્જાઇ શકે છે."
ઉલ્લેખનીય છે કે ઝડપથી બદલાતી જતી જીવનશૈલી અને વધતી જતી જરૂરિયાતો સામે મનુષ્યની ઊંઘમાં સતત કાપ મૂકાતો જઇ રહ્યો છે. તો વળી કેટલાંક લોકો તો જાતજાતના ટેન્શનો વચ્ચે રાતે ઊંઘી જ નથી શકતા. આવા લોકોએ પરિસ્થિથિ વણસે તે પહેલા ચેતી જવાની જરૂર છે.