ગુજરાતી ફિલ્મ : 'કેવી રીતે જઈશ'નું ટ્રેલર

P.R
સામાન્ય રીતે ગુજરાતીઓ બોલિવૂડ ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવાનું પસંદ કરે છે....જો આ શો ચૂકી ગયા તો વાંધો નહીં...રવિવારની સાંજ તો છે જ...આ તો જાણે નિયમિત ક્રમ બની ગયો છે.

જો કે, બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડ ફિલ્મોને પણ હોંશે હોંશે જોતા ગુજરાતીઓ ખબર નહીં કેમ ગુજરાતી ફિલ્મો પ્રત્યે અણગમો ધરાવે છે. એવું નથી કે 'ઢોલિવૂડ'ના નામે ઓળખાતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફિલ્મો જ નથી બનાવતી. પણ હા, આ ફિલ્મો દેશ અને દુનિયા ફરવા લાગેલા ગુજરાતીઓને ખાસ દમદાર નથી લાગતી. આ સિવાય અન્ય એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતી ફિલ્મોમાં યુવા અભિનેતા-અભિનેત્રીઓ, સારી સ્ટોરી, સ્ક્રિનપ્લે અને વધુ આધુનિક ટેકનોલોજી જેવી અમુક મહત્વની બાબતો મિસિંગ હોય છે. આ કારણ જ ગુજરાતી ફિલ્મો બનતી હોવા છતાં શહેરી દર્શકો તેને જોવાનું ટાળે છે.

એટલે સુધી કે અમદાવાદ-બરોડા જેવા શહેરોના મલ્ટિપ્લેક્સમાં બોલિવૂડ-હોલિવૂડની ફિલ્મો જોવા મળશે પણ ગુજરાતી ફિલ્મો જોવા નથી મળતી.

આવામાં એક ગુજરાતી ફિલ્મ મેકર અભિષેક જૈને એક રસપ્રદ વિષયને લઈને ગુજરાતી ફિલ્મ બનાવી છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ગુજરાતીઓને અમેરિકા જવાનો ઘણો ક્રેઝ હોય છે અને તેમાં પણ ખાસ કરીને પટેલોને. આ જ વાતને અભિષેકે બહુ જ રસપ્રદ અને રમૂજી રીતે વ્યક્ત કરીને એક સટાયર ફિલ્મ બનાવી છે, 'કેવી રીતે જઈશ'. ફિલ્મનો પ્રોમોમાં જોઈ શકાય છે કે હરિશ બચુભાઈ પટેલ નામનો એક યુવક અમેરિકા જવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તે અમેરિકા જઈને મોટેલ ખોલવા માંગે છે.


હરિશની આ અમદાવાદથી અમેરિકા સુધીની સફરમાં કેટલી મુસીબતો આવે છે અને તે આ બધાનો સામનો કેવી રીતે કરે છે તે વાર્તાને વ્યંગાત્મક રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર ખરેખર રમૂજી છે અને યુવા ગુજરાતી દર્શકોને આકર્ષી રહ્યું છે.

અભિષેકે પોતાના ફેસબુક પેજ પર પણ લખ્યું છે કે તેણે 3જી મેના રોજ 'કેવી રીતે જઈશ'ના ટ્રેલરને યૂટ્યૂબ પર શેર કર્યું હતું, જેથી લોકો તેને જોઈ શકે. અલબત્ત, જ્યારે 80 કલાકની અંદર આ ટ્રેલરને 1 લાખ કરતા વધારે લોકોએ જોતા તેના આશ્વર્યનો પાર નથી રહ્યો.

ઉપરાંત, ફેસબુક પર પણ આ ટ્રેલર ઘણું શેર થઈ રહ્યું છે. જો તમે પણ ફિલ્મો જોવાના શોખીન હોવ તો આ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર અને ત્યાર બાદ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. ફિલ્મની રિલીઝ ડેટ વિશે હજી કોઈ માહિતી નથી મળી પણ જ્યારે પણ આવી કોઈ માહિતી મળશે ત્યારે તમને ચોક્કસ જણાવીશું.

વેબદુનિયા પર વાંચો