જાણો ખાસિયતો: અમદાવાદ શહેરમાં વૈભવી શોપિંગના નવા યુગની શરૂઆત, રાજ્યમાં રિટેલ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી તકો ખુલશે

રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (17:12 IST)
ગુજરાતના તદ્દન નવા વૈભવી શોપિંગ ડેસ્ટિનેશનનું અનાવરણ, જાણો કેવી છે ખાસિયતો
 
ભારતના ટોચના ડેવલપર અને રિટેલ આધારિત મિક્સ્ડ યુઝ્ડ ડેવલપમેન્ટ ઓપરેટર ફીનિક્સ મિલ્સ લિમિટેડ (પીએમએલ) તથા બીસફલ ગ્રૂપે પેલેડિયમ, અમદાવાદને જાહેર જનતા માટે 26 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. 5 એકરમાં પથરાયેલા પેલેડિયમ, અમદાવાદનો વિસ્તાર 7,50,000 સ્ક્વેર ફૂટથી વધુ છે અને તે કેટ સ્પેડ, કોચ, માઇકલ કોર્સ, હ્યુગો બોસ અને તુમી સહિત 35થી વધુ આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સને પ્રથમ વખત વાઇબ્રન્ટ શહેર અમદાવાદ લાવે છે. પેલેડિયમ અમદાવાદને બીસફલ ગ્રુપ દ્વારા પીએમએલ સાથેના સંયુક્ત સાહસ હેઠળ વિકસાવવામાં આવ્યું છે.
પેલેડિયમ અમદાવાદ આધુનિક ફેશન ટ્રેન્ડ્સ તેમજ કાયમ ટ્રેન્ડમાં રહેતી ક્લાસિક વસ્તુઓ ઉપલબ્ધ બનાવે છે, જ્યાં ગ્રાહકો અત્યંત કાળજીપૂર્વક પસંદ કરાયેલી 250થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી પોતાની પસંદગી કરી શકે છે. મુલાકાતીઓને  ખરીદીનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ ઉપલબ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા પેલેડિયમ અમદાવાદને અન્યોની તુલનાએ વિશિષ્ટ બનાવે છે. પેલેડિયમ અમદાવાદ એક સંપૂર્ણ લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ખરીદીથી કંઈક વિશેષ અનુભવ ઉપલબ્ધ બનાવે છે. પેલેડિયમ અમદાવાદ ખાતે ગ્રાહકોના આનંદને બેવડો કરવા માટે લક્ઝરી રિટેલની સાથે આતિથ્ય અને મનોરંજનના વિકલ્પોની વિશાળ શ્રેણીની સુવિધા છે , જે સમગ્ર પરિવાર માટે તેને એક પસંદગીનું સ્થળ બનાવે છે.
શહેરના હાર્દ સમા વિસ્તારમાં વપરાશનું મુખ્ય કેન્દ્ર
સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલું પેલેડિયમ અમદાવાદ શહેરના મધ્યમાં આવેલું છે, જે બહેતર કનેક્ટિવિટી અને ઉત્તમ પહોંચ ધરાવે છે. તે કોમર્શિયલ એરિયા, રેસિડેન્શિયલ એરિયા અને શહેરની ટોચની હોટેલ્સ સુધી સરળતાથી પહોંચી શકાય તેવા અંતરે છે અને તે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)થી લગભગ 30 મિનિટના અંતરે છે. તેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને ઓફરિંગની વિશાળ શ્રેણી સાથે, પેલેડિયમ અમદાવાદ ગાંધીનગર, રાજકોટ, વડોદરા, મહેસાણા, આણંદ અને અન્ય શહેરોના દુકાનદારોને આકર્ષવા માટે મોકાના સ્થળે સ્થિત છે.
 
આ ભવ્ય ઉદઘાટન પ્રસંગે બોલતા ધ ફીનિક્સ મિલ્સ લિમિટેડના ચેરમેન અતુલ રૂઈયાએ જણાવ્યું હતું કે કોસ્મોપોલિટન વસતિ તથા વૈભવી જીવનશૈલી તરફના વધતાં ઝૂકાવને કારણે ગુજરાત હંમેશથી અમારા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પેલેડિયમ અમદાવાદ કલાત્મક અને સ્થાપત્યની એક અજાયબી છે, જે અમદાવાદમાં પ્રતિષ્ઠિત વૈભવી બ્રાન્ડ્સ અને ખરીદીનો અનોખો અનુભવ ઉપલબ્ધ બનાવશે. પેલેડિયમ અમદાવાદ દ્વારા ગુજરાતમાં અમે અમારી યાત્રાનો શુભારંભ કરી આ અદભૂત શહેરના લોકો માટે એક વૈભવી સ્થળ ઉપલબ્ધ બનાવી રહ્યાં છીએ. દેશભરના ગ્રાહકો માટે અતુલનીય અનુભવ પૂરો પાડતા રિટેલ સ્થળોની રચના કરવા માટે અમારા વિઝનને આગળ વધારવાનું ચાલુ રાખીશું. 
 
મનને આનંદ પમાડે તેવું ભવ્ય સ્થળ
પેલેડિયમ અમદાવાદની અનેક વિશિષ્ટતાઓમાં સૌથી નોંધપાત્ર અને ધ્યાન ખેંચે તેવી બાબત તેનો આગળનો ભાગ છે,  જે સૂર્યના પરાવર્તન, જોવાના એન્ગલ અને દિવસના સમયના આધારે તેના રંગમાં ફેરફાર કરીને તેના દેખાવમાં પરિવર્તન લાવે છે. માટીના રંગની પેલેટના સુંદર સંતુલન સાથે બનેલો આ અગ્રભાગ હલનચલનનો ભ્રમ આપે છે અને તે હાઇવે પરથી પણ જોઇ શકાય છે. રાત્રિના સમયે વિશાળ એલઈડી સ્ક્રીન સાથે એલિવેશન બેકલિટથી પ્રકાશિત હોય છે જે સમગ્ર માળખાની એકંદર આકર્ષકતામાં વધારો કરે છે
 
5 માળમાં ફેલાયેલો આ મોલ સ્વંય સ્થાપત્યનું એક બેનમૂન ઉદાહરણ છે અને તેને ખાસ કરીને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. પેલેડિયમ અમદાવાદનું અદભૂત ઇન્ટિરિયર એ સોફેસ્ટિકેશન અને લક્ઝરીનું સાંમજસ્ય દર્શાવે છે. ચળકતા આરસપહાણના ફ્લોરથી માંડીને ભવ્ય લાઇટિંગ સુધીની તમામ બાબતો ગ્રાહકોને ખરીદીનો એક અવિસ્મરણિય અનુભવ આપવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાઈ છે.
 
ભારતના વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા મોલને વિવિધ કળાકૃતિઓથી શોભાયમાન બનાવવામાં આવ્યો છે. ઠુકરાલ અને તાગરાની રચના  "ધ એપોકેલિપ્ટ્રોન" અને રાધા પટેલ દ્વારા મહિલાઓની શક્તિ અને ક્ષમતાને સમર્પિત કૃતિ "ધ વુમન"  સહિતની વિવિધ કળાકૃતિઓ મોલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આવી અનેક કળાકૃતિઓ ગ્રાહકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષી તેમને કળાની દુનિયામાં ડોકિયું કરાવે છે. 
 
બીસફલ ગ્રુપના ચેરમેન શ્રી રાજેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે આવી ભવ્યતા ધરાવતા મોલ માટે અમદાવાદ એક ઉત્તમ સ્થળ છે. અમદાવાદ જેવા વાઇબ્રન્ટ શહેરમાં પેલેડિયમના પ્રારંભ માટે ફિનિક્સ મિલ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરીને અમે આનંદ અને રોમાંચની લાગણી અનુભવી રહ્યાં છીએ. આવનારા દાયકાઓ સુધી સીમાચિહ્નરૂપ બની રહેનારું પેલેડિયમ અમદાવાદ શહેરમાં વૈભવી શોપિંગના નવા યુગની શરૂઆત કરશે.
 
ગ્રાહકો માટે સ્વર્ગ સમાન અને મનોરંજનનું કેન્દ્ર  
પેલેડિયમ અમદાવાદ 250થી વધુ બ્રાન્ડ્સ રજૂ કરે  છે, જેમાં કોચ, ડિઝલ, માઇકલ કોર્સ, ડાયસન, સ્ટીવ મેડન, ટીયુએમઆઇ જેવી 35+ લક્ઝરી લેબલનો સમાવેશ થાય છે. આ મોલમાં વૈભવી,  બ્રિજ ટુ  લક્ઝરી અને બુટિક બ્રાન્ડ્સ, ફેશન અને એક્સેસરીઝ, ફાઇન જ્વેલરી, બ્યુટી, હોમ ડેકોરેશન અને અન્ય લક્ઝરી ચીજવસ્તુઓનું સરસ મિશ્રણ ઉપલબ્ધ બનાવાયું છે.
 
પેલેડિયમ અમદાવાદમાં ફન સિટી, ટાઇમ ઝોન અને હેમલીઝ પ્લે પણ છે, જ્યાં મુલાકાતીઓ  અત્યાધુનિક આર્કેડ ગેમ્સ અને વૈવિધ્યપૂર્ણ મનોરંજનનો અનુભવો માણી શકશે. ફિલ્મોના રસિયાઓને સિનેમા જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે અહીં 9 સ્ક્રીન્સ મલ્ટિપ્લેક્સ અને પીવીઆર સિનેમામાં વૈભવી સ્ક્રીન્સ છે જે અન્ય સિનેમાઘરો કરતાં વિશિષ્ટ છે. 
 
બે માળમાં પથરાયેલાં, પેલેડિયમ અમદાવાદ ખાતેના ફૂડ એન્ડ બેવરેજીસ ઝોનમાં ફૂ, ચા, જેમીઝ પિઝેરિયા જેવી નોંધપાત્ર રેસ્ટોરાં છે, જે સ્વાદના રસિયાઓને વિવિધ વિકલ્પો ઉપલબ્ધ બનાવે છે. આ મોલમાં 50થી વધુ ડાઇનિંગ ઓપ્શન છે, જેમાં ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં, કેઝ્યુઅલ ડાઇનિંગ, ક્યુએસઆર, કાફે અને કિઓસ્કનો સમાવેશ થાય છે. પેલેડિયમ અમદાવાદ ખાતે ફૂડ અને બેવરેજીસ(એફ એન્ડ બી)માં ભારતીય અને ચાઇનીઝથી માંડીને એશિયન, ઇટાલિયન, ગ્રીક સહિત ઘણી બધી વાનગીઓના વિકલ્પ ઉપલબ્ધ બનાવાયા છે, જે ગ્રાહકોના સ્વાદ અને પસંદગીના વૈવિધ્યને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ વાનગીઓનો રસાસ્વાદ કરાવે છે.  
 
ફિનિક્સ મિલ્સ લિમિટેડના સીઓઓ રશ્મિ સેને જણાવ્યું હતું કે, પેલેડિયમ અમદાવાદ ખાતે અમે ગુજરાતના લોકો માટે વૈભવી જીવનશૈલીનું ઉત્કૃષ્ટ સ્તર રજૂ કરવાની સાથે સાથે ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છીએ. 50થી વધુ ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ વિશ્વભરની વાનગીઓ પીરસે છે, અને 220 થી વધુ ઇનલાઇન સ્ટોર્સ અમારા ગ્રાહકોને વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડવા માટે સજ્જ છે, પેલેડિયમ અમદાવાદ શહેરમાં લક્ઝરી શોપિંગના અનુભવો પર એક નવી ગાથા લખવામાં અગ્રેસર બની રહેશે.
 
• 250થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે 750,000 ચોરસફૂટથી વધુના વિસ્તારમાં ફેલાયેલો વૈભવી અનુભવ 
• અમદાવાદમાં પ્રથમ વખત 35થી વધુ આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ લોન્ચ કરાઈ
• ફન સિટી અને ટાઇમ ઝોન જેવા સમર્પિત મનોરંજન સ્થળો
• બે માળમાં ફેલાયેલા 50થી વધુ ઉત્કૃષ્ટ ડાઇનિંગ વિકલ્પો
• 9-સ્ક્રીન ધરાવતું અત્યાધુનિક પીવીઆર મલ્ટિપ્લેક્સ
• સૂર્યના પરાવર્તનના આધારે રંગો બદલતો અનોખો અગ્રભાગ
• આ મોલ ગુજરાત રાજ્યમાં રિટેલ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી સર્જનારા મોલ પૈકીનો એક બનશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર