કોરોનાકાળ દરમિયાન ભારતથી વિદેશ જવું મુશ્કેલ બની ગયું હતું. ઘણા દેશોએ કોરોના વધતા જતા સંક્રમણ અને ડેલ્ટા વેરિએન્ટને ફેલાતો રોકવા માટે પોતાની બોર્ડરો બંધ કરી દીધી હતી. પરંતુ હવે કોરોના કેસ ઓછા થઇ રહ્યા છે અને ફરી એકવાર ફરી બીજા દેશ હવાઇ યાત્રા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. ત્યારે યુકેમાં વસતા ગુજરાતીઓ અને લંડન આવતા જતા મુસાફરો માટે ખુશીના સમાચાર છે.
ફ્લાયપોપના ડાયરેક્ટ મહેન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે ભારતીયને ગુજરાત, પંજાબ કે કોચી જેવા ટૂ ટિયર સિટીમાં જવું હોય તો સીધી ફ્લાઇટ નથી. જે ફ્લાઇટ છે એ મોંઘી છે. જેથી મે મહિના સુધી જે-તે ઓથોરિટી સાથે અમદાવાદ અને ચંદીગઢ માટેના એમઓયુ સાઇન કરીશું અને ઓગસ્ટ મહિના સુધી ફ્લાઇટ શરૂ થઇ જાય એવો અમારો પ્લાન છે. જેમાં વન સાઇડ 99 પાઉન્ડ એટલે કે 10 હજાર રૂપિયા ભાડું રાખીશું. જેથી લગ્ન કે મરણ જેવા પ્રસંગ, બિઝનેસ, ટૂરિઝમ, શોપિંગ માટે ગુજરાતીઓ અને ભારતીયો બિન્દાસ અવર જવર કરી શકે. આ એરલાઇન સ્ટાર્ટઅપને બ્રિટન સરકારનું 50 લાખ પાઉન્ડના ફંડ પણ મળ્યું છે.
એકદમ સસ્તા દરે શરૂ થનારી ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પ્રવાસન, શોપિંગ કે બિઝનેસના કામે બ્રિટન જવા માગતા ગુજરાતીઓને મોટી રાહત મળશે. અમદાવાદ અને ચંડીગઢ બાદ તબક્કાવાર કોચી, હૈદરાબાદ, ગોવા, કોલકાતાની ફ્લાઇટો પણ શરૂ કરવામાં આવશે.