નુકશાન - PF માં થશે કપાત, કર્મચારીઓની બચત પર પડશે માર

શનિવાર, 27 મે 2017 (10:53 IST)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ન્યાસી બોર્ડ પોતાની સામાજીક સુરક્ષા યોજનાઓમાં સેલેરીથી અનિવાર્ય અંશદાનને ઘટાડીને 10 ટકા કરવાના પ્રસ્તાવને શનિવારે મંજૂરી આપી શકે છે. આજે આ બાબતને મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે. આથી કર્મચારીઓને ખર્ચ માટે વધુ રકમ મળશે.
 
વર્તમાન વ્યવસ્થા હેઠળ કર્મચારી તથા માલિક ઈપીએફ-ઈપીએસ તથા ઈડીએલઆઈમાં કુલ મળેલ મૂળ વેતનના 12-12 ટકા યોગદાન આપે છે. જો આ પ્રસ્તાવને મંજુરી મળી જાય તો કર્મચારી અને માલિકનું યોગદાન ઘટીને 10 ટકા થઈ જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે ઈપીએફઓની પૂણેમાં બેઠક યોજાઈ રહી છે. એવી દલીલ થઈ છે કે, આ પ્રસ્તાવથી કર્મચારીઓને માસિક વેતનમાં વધુ પૈસા હાથ પર આવશે. સાથોસાથ માલિક ઉપરનો ભાર પણ હળવો થશે. જો કે ટ્રેડ યુનિયનોને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
 
હાલ કંપની અને કર્મચારી PF, પેન્શન અને વિમા સ્કીમમાં એક સમાનરૂપથી પગારના 12 ટકા રકમ જમા કરાવશે. ઈપીએફઓમાં જે અંશદાન થાય છે તેની ગણતરી મૂળ પગાર અને ડીએમાંથી થાય છે. જો આજે નિર્ણય લેવાશે તો આવતા વખતથી કર્મચારી વધુ પગાર ઘરે લઈ જઈ શકશે. સરકારનું કહેવુ છે કે, આનાથી કર્મચારી વધુ ખર્ચ કરી શકશે અને અર્થતંત્રને આગળ વધારવામાં મદદ મળશે.  જો કે યુનિયનોનું કહેવુ છે કે આ પગલુ કર્મચારીઓના હિતમાં નથી. આવુ કરવાથી કર્મચારીઓને 4 ટકાનુ નુકશાન થશે. આવુ એટલા માટે કે કર્મચારી અને કંપની બન્ને લોકો 12-12 ટકા સમાનરૂપથી રકમ જમા કરાવે છે. જો આ પ્રસ્તાવ લાગુ થયો તો તે ઘટીને 20 ટકા આવી જશે. હાલ કુલ યોગદાન કર્મચારી અને માલિકનું અંશદાન 24 ટકા છે

વેબદુનિયા પર વાંચો