ધનતેરસ પણ રીયલ એસ્ટેટને ન ફળી; દસ્તાવેજોમાં કડાકો

શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:17 IST)
રાજકોટ શહેર અને જીલ્લામાં ઓણ રેકર્ડબ્રેક વરસાદ અને ખરીફ વાવેતરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયુ હોવા છતાં બજારમાં નાણાંની તિવ્ર અછત જોવા મળી છે તેની સીધી અસર રીયલ એસ્ટેટ ઉપર દેખાઈ આવી હતી. ગત વર્ષની ધનતેરસની રીયલ એસ્ટેટમાં માંગ સામે આ વખતે ગઈકાલે ધનતેરસનાં પાવન અવસરે 50% મિલકતોનાં પણ ખરીદ વેચાણ દસ્તાવેજો થયા ન હોવાનું નોંધણીસર નિરિક્ષક સવાણીએ વિગત આપતા જણાવ્યું હતું.

રાજકોટમાં ગઈકાલે ધનતેરસના પાવન અવસરે એકમાત્ર મોરબી રોડ, સામાકાંઠા, જંકશન પ્લોટ, ગાયકવાડી પ્લોટ અને રેલનગરને વિસ્તારને આવરી લેતા સબ રજીસ્ટ્રાર ઝોન-2 માં 70 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી તેની સાપેક્ષમાં અન્ય સાત સબ રજીસ્ટ્રારમાં સરેરાશ 22 થી 25 દસ્તાવેજો નોંધાયા હતા. જે ગત વર્ષની ધનતેરસની સાપેક્ષમાં 50% થી પણ ઓછા હોવાનું જણાવાયું હતું. રાજકોટ શહેર અને જીલ્લામાં સાતમ આઠમના તહેવારો બાદ રીયલ એસ્ટેટમાં થોડી તેજી આવી હતી. દશેરા ઉપર રાજકોટ શહેર જીલ્લામાં 2600 થી વધુ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. આ વખતે ધનતેરસે 500 થી વધારે દસ્તાવેજો નોંધાય તેવી આશા હતી પરંતુ ગઈકાલે સબ રજીસ્ટ્રાર ઝોન-2 સિવાય અન્ય એકપણ નોંધણી કચેરીમાં દસ્તાવેજનો આંકડો 30 થી વધુ નોંધાયો ન હતો.જીલ્લાની વાત કરીએ તો વિંછીયા અને જામકંડોરણામાં બે આંકડે પણ દસ્તાવેજો પહોંચ્યા ન હતા. બજારમાં કિસાનોના નાણા હજુ આવ્યા નથી તિવ્ર નાણાં ખેંચ વચ્ચે રીયલ એસ્ટેટમાં ધનતેરસની ખરીદીએ ટાઢુ પાણી રેડી દીધુ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

રાજકોટ શહેરમાં સબ રજીસ્ટ્રાર ઝોન-2 માં મોરબી રોડ ઉપર ટેનામેન્ટની માંગ વધારે જોવા મળી હતી. રતનપરને આવરી લેતા આ ઝોનમાં આઠ લાખથી લઈને તેર લાખ સુધીનાં ટેનામેન્ટો મધ્યમ વર્ગના પરિવારોએ વધુ ખરીદયા છે.જોકે ઝોન-2 વિસ્તારમાં મહાનગરપાલીકાની પાંચ જેટલી આવાસ યોજનાઓ પણ આવેલી છે અને આ આવાસ યોજનાના લાભાર્થીઓએ ગઈકાલે 30 જેટલા દસ્તાવેજો કર્યા હોવાનું જાણવા મળેલ છે.યાજ્ઞીક રોડ, કાશી વિશ્ર્વનાથ પ્લોટ, સદર બજાર, જાગનાથ પ્લોટ વિસ્તારને આવરી લેતાં ઝોન-3 માં ગઈકાલે 35 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આવતા સબ રજીસ્ટ્રાર ઝોન-8 માં ખેતરનાં મિલકત વેંચાણના દસ્તાવેજો માત્ર 17 થી 18 નોંધાયા હોવાનું જાણવા મળેલ છે.
દરમ્યાન રાજકોટ શહેર અને જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગત વર્ષની સાપેક્ષમાં આ વખતે ધનતેરસે રીયલ એસ્ટેટને જે જોઈએ તે ખરીદીનો લાભ મળ્યો નથી અને રીયલ એસ્ટેટમાં કિસાનોનાં નાણાં બજારમાં ઠલવાય અને લાભપાંચમ બાદ ખરીદીમાંથી જે આવે તેવી આશા જોવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર