દિવાળી પૂર્વે દેશના ખેડૂતોને વડાપ્રધાનની ભેટ: ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં જમા થશે રૂ.1023 કરોડ
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (08:36 IST)
farmers
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે. આ 12મા હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1023 કરોડની રકમ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે કિસાન સમ્માન નિધિ યોજનાનો 12મો હપ્તો રાજ્યના ખેડૂતો માટે વધુ એક રાહત લઇને આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે.
આમ, આ યોજના હેઠળ કુલ 12 હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.
600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે
દિલ્હી ખાતે યોજાનારા બે દિવસીય સંમેલનમાં 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સમૃદ્ધિ કેન્દ્રોમાં 44 કેન્દ્રો ગુજરાત ખાતે કાર્યરત કરવામાં આવશે. આ કૃષિ સમૃધ્ધિ કેન્દ્રમાં ખેડૂતોને એક જ છત નીચે કૃષિ વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો ઉપર ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ રાખવામાં આવશે.
ખેડૂતોની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા સેન્ટરો પરથી ખેડૂતને ખેતી વિષયક અદ્યતન ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને ભલામણો બાબતે માહિતી આપવામાં આવશે. ખેડૂતોને સીધી અસર કરતી સરકારી યોજનાઓ પણ આ કેન્દ્રો પર પ્રદર્શિત કરવામાં આવશે.
આ કેન્દ્રો બજારના અગ્રણી સ્થાનો પર અથવા ગામો અથવા તાલુકાઓમાં કૃષિ મંડીઓની નજીક હશે જેથી ખેડૂતો મુશ્કેલી વિના તેનો ઉપયોગ કરી શકે. ઉપરાંત, આ કેન્દ્રો પર ખાતર ખરીદી માટે PoS, QR Code/Bar Code સ્કેનરની સુવિધા, સ્ટોકની સ્થિતિ, સહાય અને કિંમત નિદર્શીત કરતું ડીસપ્લે બોર્ડ તેમજ ખેડૂતો માટે બેસવાની સુવિધાઓ પણ હશે, સાથે જ એક હેલ્પ ડેસ્ક પણ હશે. આ કેન્દ્રોમાં પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન સાથેના કોમ્પ્યુટર અને એલઈડી સ્ક્રીન, સ્માર્ટ ટી.વી.જેવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડો રાખવામાં આવશે.
1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ લેશે ભાગ
આ કિસાન સમ્માન સંમેલનમાં 1500થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. જેમાંથી 300 સ્ટાર્ટઅપ દ્વારા કૃષિ અને તેને સંલગ્ન વિવિધ વિષયો પર થયેલ નવીન કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત, ખેડૂતોને આ સ્ટાર્ટઅપ્સ દ્વારા વરિષ્ઠ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાંતો અને નિતી નિર્માતાઓનું માર્ગદર્શન પણ મળી રહેશે.