સ્પનબોન્ડ નોનવૂવન કાપડની નિકાસ પરના નિયંત્રણો દૂર કરોઃ એનડબલ્યુએફઆઈ
બુધવાર, 29 જુલાઈ 2020 (12:33 IST)
નોન વૂવન ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનડબલ્યુએફઆઈ)એ જણાવ્યું છે કે સ્પનબોન્ડ નોનવૂવન કાપડ અને વિવિધ પ્રકારના માસ્કની નિકાસ પરના નિયંત્રણોથી સ્થાનિક ઉદ્યોગોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેડરેશને આ નિયંત્રણો ઝડપથી દૂર કરવા માગ કરી છે. ફેડરેશન ભારતમાં આશરે 1000 જેટલા સ્પનબોન્ડ નોનવૂવન ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ અને કન્વર્ટર્સ (અંતિમ ઉત્પાદન)ના પ્રાદેશિક એસોસિયેશનોનું પ્રતિનિધિત્વ કરે છે.
કોવિડના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ માર્ચમાં માસ્ક્સ અને કવરઓલ્સ તથા સર્જિકલ/ડિસ્પોઝેબલ માસ્ક માટેના ટેક્સટાઈલ રો મટિરિયલ્સની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે 13 જુલાઈના રોજ ડીજીએફટીએ 25-70 જીએસમ(ગ્રામ પ્રતિ સ્ક્વેર મીટર) સિવાયના નોનવૂવન કાપડની નિકાસને મંજૂરી આપી અને 25-70 જીએસએમના કાપડની નિકાસ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો.
આ અંગે બોલતાં એનડબલ્યુએફઆઈના અધ્યક્ષ સુરેશ પટેલે જણાવ્યું હતું કે મોટાભાગે 25-70 જીએસમના સ્પનબોન્ડ નોનવૂવન કાપડની માગ રહે છે. નોનવૂવન કાપડની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની નીતિ ટેક્નિકલી યોગ્ય નથી કારણકે ઉત્પાદનની રીતે જીએસએમની દૃષ્ટિએ કોઈ તફાવત નથી હોતો. ઉત્પાદકો માત્ર પ્રક્રિયાની ઝડપમાં ફેરફાર કરી એક જ પ્લાન્ટમાં 10થી 200 જીએસએમ સુધીનું કાપડ બનાવી શકે છે.
ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે નિકાસના નિયંત્રણો હટાવી લેવાને કારણે જો પીપીઈ કિટ્સ અને માસ્ક્સ માટે કાપડની અછત પેદા થવાની દહેશત હોય તો સરકાર નોનવૂવન કાપડના ઉત્પાદન પૈકીનું 50 ટકા સ્થાનિક વપરાશ માટે અનામત રાખી બાકીના 50 ટકાના નિકાસની મંજૂરી આપી શકે છે. સુરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચોક્કસ જીએસએમ આધારિત કાપડની નિકાસ પર કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ.
પીપીઈ કિટ, 3 પ્લાય માસ્ક્સ તથા એન 95 માસ્ક જેવી તબીબી જરૂરિયાતો માટે સ્પનબાઉન્ડ નોનવૂવન કાપડનો માસિક વપરાશ આશરે 5,200 મેટ્રિક ટન જેટલો છે, જે કુલ 41,350 મેટ્રિક ટન્સની ઉત્પાદન ક્ષમતાના 12.6 ટકા જેટલો થવા જાય છે. આ જ પ્રમાણે 3 પ્લાય સર્જિકલ માસ્ક્સ તથા એન95 માસ્ક્સ માટેની ઉત્પાદન ક્ષમતાનો વપરાશ કુલ સ્થાપિત 79.89 કરોડ નંગની તુલનાએ માત્ર 18 ટકા જેટલો છે.
આ આંકડા દર્શાવે છે કે આપણો દેશ સ્પનબાઉન્ડ નોનવૂવન કાપડ અને સર્જિકલ માસ્ક્સની જરૂરિયાતના સંદર્ભમાં આત્મનિર્ભરતા ધરાવે છે. આથી તેની પરના નિકાસ નિયંત્રણો વ્યાવહારિક પગલું ના કહી શકાય તેમ જણાવતા એનડબલ્યુએફઆઈના વાઈસ પ્રેસિડેન્ટ અંશુમાલિ જૈને ઉમેર્યું હતું કે માર્ચમાં પ્રતિબંધ લદાયો તે પહેલાં ક્ષમતાનો વપરાશ 90 ટકા હતો અને આ ઉત્પાદનો સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવતાં હતાં. આ પ્રતિબંધોને કારણે આપણે વૈશ્વિક બજારમાં મોટો હિસ્સો ગુમાવી રહ્યાં છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
સ્પનબાઉન્ડ નોનવૂવન કાપડ ઉદ્યોગ પ્રત્યક્ષ રીતે 6.5-7 લાખ લોકને તથા પરોક્ષ ધોરણે આશરે 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. ફેડરેશનના જણાવ્યાં અનુસાર કોટન, પોલિએસ્ટર, નાયલોન, એસએમએસ, એસએસએમએમએસ, મેલ્ટબ્લોન તથા સ્પનલેસ જેવા કાપડ પણ હવે પીપીઈ કવરઓલ્સ તથા માસ્ક્સ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં હોવા છતાં નવી સુવિધાઓના ઉમેરાને કારણે સ્થાપિત ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે.
ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની, એમએસએમઈ મંત્રી નિતીન ગડકરી તથા આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને અલગ-અલગ લખેલાં પત્રોમાં ફેડરેશને નિકાસ પરના પ્રતિબંધો દૂર કરવા માગ કરી છે. ફેડરેશનના જણાવ્યાં અનુસાર સરકારે સ્પનબોન્ડ નોનવૂવન કાપડ તથા 3 પ્લાય સર્જિકલ માસ્કની નિકાસને કોઈ પણ નિયંત્રણો વગર મંજૂરી આપવી જોઈએ તથા પ્રામાણિત ઉત્પાદકોને મુક્તપણે એન 95 માસ્ક્સની નિકાસની મંજૂરી આપવી જોઈએ.
ફેડરેશનને આ ઉપરાંત ક્વોટામાં વધારો કરવાની તથા વિવિધ ગુણવત્તા પ્રમાણપત્રો આધારિત પસંદગીના માપદંડોમાં રાહત આપવાની તથા તમામ પ્રકારના માસ્ક્સ અને પીપીઈ કવરઓલ્સ પરની આયાત ડ્યુટી પુનઃ લાગુ કરવાની પણ માગ કરી હતી.સ્થાનિક સ્તરે નબળી માગ તથા નોનવૂવન કાપડ અને માસ્કની નિકાસ પરના પ્રતિબંધને કારણે સમગ્ર ઉદ્યોગના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ પગલાંથી આ ઉદ્યોગને લાંબાગાળાની રાહત મળી રહેવા ઉપરાંત લાખો લોકોની નોકરીઓ બચી જશે તેમ એનડબલ્યુએફઆઈના મહાસચિવ નિકેશ શાહે જણાવ્યું હતું.