ખેડૂતોના દેવામાફીના મુદ્દે સરકારની ખુશામતમાં વ્યસ્ત ભાજપ કિસાનસંઘ-ભાજપ કિસાન મોરચો મૌન

સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (12:09 IST)
એક તરફ, ખેડૂતોના દેવામાફીને લઇને પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલે આમરણ ઉપવાસ શરુ કર્યા છે. બીજી તરફ,ખેડૂતોના ખભે બંદુક રાખીને રાજનીતિ કરતાં ભારતીય કિસાન સંઘના નેતાઓ ખેડૂતોની દેવામાફીને લઇને એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. સોશિયલ મિડિયામાં ભારતીય કિસાનસંઘ જ નહીં,ભાજપ કિસાન મોરચા વિરુધ્ધ જોરદાર કોમેન્ટોનો મારો જામ્યો છે.

ગુજરાતમાં ખેડૂતોની દયનીય દશા છે. મગફળી,કપાસ સહિત વિવિધ પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. પાકવિમાને લઇને ખેડૂતો હેરાન પરેશાન થઇ ઉઠયા છે. ખેતરોની માપણીને લઇને થયેલાં ગોટાળાના મુદ્દે વધુ એક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સિંચાઇના પાણીના અભાવે ખેતી કરવી મુશ્કેલ બન્યુ છે.મોંઘા ખાતરો,બિયારણ,જંતુનાશક દવાઓ ખેડૂતોને હવે પોષાય તેમ નથી. ખેડૂતોએ દેવુ કરીને ખેતી કરવી પડે છે. આ દયનીય સ્થિતી હોવાથી દેવામાફીનો મુદ્દો ગુજરાતમાં ઉઠયો છે.

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની માંગને લઇને રોડ પર ઉતરતાં ભારતીય કિસાનસંઘના નેતાઓ હવે ભાજપ સરકાર સામે મૌન ધારણ કરીને બેઠાં છે. ભારતીય કિસાનસંઘ અને ભાજપ કિસાન મોરચો પોતાની જ સરકારમાં ખેડૂૂતોના હક્ક માટે રજૂઆત કરવામાં ય પીછેહટ કરી રહ્યાં છે. આ જોતાં સોશિયલ મિડીયામાં લોકો કોમેન્ટો કરી રહ્યા છેકે,ખેડૂતોના નામે રાજનિતી કરનારાં હવે સરકારના પીઠ્ઠુ બન્યાં છે.કયાં છે ખેડૂતોના બેલી,કયાં છે ખેડૂત આગેવાનો.અત્યારે કિસાનસંઘ અને ભાજપ કિસાન મોરચો ખેડૂતોને કોરાણે મૂકી માત્ર સરકારની ડુગડુગી વગાડવામાં વ્યસ્ત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર