ઈન્ટરનેટ વિના ફોન પર જોઈ શકાશે લાઈવ TV- હાલમાં, તમારા ઘરે ડીશ કનેક્શન દ્વારા ચેનલોનું પ્રસારણ સીધું ટીવી પર થાય છે. આ 'ડાયરેક્ટ 2 હોમ' (D2H) સુવિધાની તર્જ પર, સરકાર હવે 'ડાયરેક્ટ 2 મોબાઈલ' (D2M) સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે, તમારી ટીવી સ્ક્રીનને બદલે, તમે મોબાઇલ સ્ક્રીન પર જ સીધી ટીવી ચેનલો જોઈ શકશો. જેના કારણે ટેલિકોમ કંપનીઓને મોટો ફટકો પડી શકે છે.
સરકારે આવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાની પરવાનગી આપી છે, જે લોકોના મોબાઈલ સ્ક્રીન પર ટીવી ચેનલોનું પ્રસારણ કરશે, જેમ કે હાલમાં કેબલ કનેક્શન અથવા D2H દ્વારા કરવામાં આવે છે. IIT કાનપુર અને ટેલિકોમ વિભાગ અને માહિતી અને પ્રસારણ મંત્રાલય આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
હાલમાં, દેશમાં ટીવીની પહોંચ લગભગ 22 કરોડ ઘરોમાં છે, જ્યારે દેશમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યા 80 કરોડ છે, જે 2026 સુધીમાં વધીને 100 કરોડ થવાની સંભાવના છે. અત્યારે ફોન પર 80 ટકા ઈન્ટરનેટનો વપરાશ વિડીયો પર થાય છે, આવી સ્થિતિમાં ફોન પર ટીવી જોવાની સુવિધા આપવી એ માર્કેટમાં મોટું ગેમ ચેન્જર સાબિત થશે.