બેંકિંગ ઉત્પાદનો અંગે પૂછપરછ કરવા/પ્રાપ્ત કરવા ખેડૂતો ફોન મારફતે બેંક સુધી પહોંચી શકે તે માટે આઇવીઆર એ તેમના માટેનું એક વન-સ્ટોપ કૉલિંગ સોલ્યુશન છે. આ ટૉલ-ફ્રી આઇવીઆર સેવા ફક્ત 1800 120 9655 નંબર ડાયલ કરીને અને પિન કૉડ નંબર શૅર કરીને દેશના ખેતી અને કૃષિ સમુદાયને બેંક સાથે જોડવાનું શક્ય બનાવશે. ખેડૂતોને સૌથી નજીકમાં આવેલી બેંકની શાખા આપમેળે જ નકશા પર દર્શાવવામાં આવશે અને બેંકના પ્રતિનિધિ તેની/તેણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમના સુધી પહોંચશે.
આ પ્રવૃત્તિ બેંકની ‘#HarGaonHamara’ પહેલનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય ભારતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી સરકારના આર્થિક સમાવેશનના દ્રષ્ટિકોણને અનુરૂપ વિવિધ આર્થિક, ડિજિટલ ઉત્પાદનો અને સામાજિક સુરક્ષાની યોજનાઓ અંગે જાગૃતિ પેદા કરવાનો છે. આ પ્રક્રિયામાં ‘#HarGaonHamara’નું લક્ષ્ય અર્ધશહેરી અને બેંકિંગ સેવાઓથી વંચિત વિસ્તારોમાં ઔપચારિક બેંકિંગ અંગે ખેડૂતોમાં સમજણ પેદા કરવા અને તેમના માટે સહાયક માળખું રચવાનો છે. ભારતની બે-તૃત્યાંશ વસતી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાંના મોટાભાગના લોકો હજુ પણ ઔપચારિક બેંકિંગ સેવાથી વંચિત છે. એચડીએફસી બેંક આ પહેલ મારફતે શહેરી-ગ્રામ્ય વિસ્તાર વચ્ચે સેતુ રચવા સમગ્ર દેશમાં પ્રયત્નશીલ છે.
એચડીએફસી બેંકના રુરલ બેંકિંગ ગ્રૂપના બિઝનેસ હેડ રાજિન્દર બબ્બરએ જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ્ય બેંકિંગ સેવાને ભારતના તમામ ખેડૂતો અને કૃષિકારોના ઘરઆંગણા સુધી લઈ જવાનો છે. અમારો ટૉલ-ફ્રી નંબર એચડીએફસી બેંકને ગ્રામ્ય કેન્દ્રી આર્થિક ઉત્પાદનો અને સેવાઓની તેની સમગ્ર શ્રેણીને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. એચડીએફસી બેંક ઉત્પાદનોની વ્યાપક રેન્જ, ઝડપી કાયાપલટ અને ડિજિટાઇઝેશન દ્વારા આ વિસ્તારોમાં રહેલી તકોને ઝડપી લેવા માંગે છે. અમારું માનવું છે કે, આ પ્રકારની પહેલ ગ્રામ્ય ભારતમાં વસતા ગ્રાહકોની બદલાતી મહત્વાકાંક્ષાઓને સંતોષવામાં, તેમના ઘરોમાં સમૃદ્ધિ લાવવામાં અને ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.’
આ વિસ્તારોમાં બેંકની પ્રોડક્ટ રેન્જમાં કિસાન ગોલ્ડ કાર્ડ હેઠળની લણણી પૂર્વે અને બાદની પાકલૉનનો સમાવેશ થાય છે, જે પાક અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારલક્ષી ધિરાણની વ્યાપક સુવિધા પૂરી પાડી પાકચક્ર અને વિવિધ કૃષિ જળવાયુ ક્ષેત્રોમાં ફેલાયેલા ખેડૂતોની સ્થાનિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. આ પ્રકારની ધિરાણસુવિધા પશુપાલન, પોલ્ટ્રી, મત્સ્યપાલન અને રેશમ ઉત્પાદન જેવી સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ માટે પણ પૂરી પાડવામાં આવે છે. આ સાથે જ, ખેડૂતો અને કૃષિકારોની બચત ખાતા, ફિક્સ ડીપોઝિટ (બાંધી મુદતની થાપણ) અને લૉન સંબંધિત અન્ય જરૂરિયાતોને પણ પરિપૂર્ણ કરવામાં આવશે.