ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યાં, જાણો કયા પાકની ખરીદી કરાશે

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (11:12 IST)
ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં  પ્રતિ ક્વિન્ટલ -રૂ. 2275/-,બાજરી પ્રતિ ક્વિન્ટલ - રૂ.2500/-,જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ - રૂ. 3180/-,જુવાર (માલદંડી)  પ્રતિ ક્વિન્ટલ – રૂ.3225/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ –રૂ.2090/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.
 
પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ જાહેર કરાયુ
મંત્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
 
196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી 15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું હતું કે,ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના 7-12 તથા 8-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે.ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર