અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના પાટનગર દોહામાં મોટું નિવેદન આપ્યું છે.
તેમણે આઇફોન નિર્માતા કંપની ઍપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું કે તેઓ ભારતમાં આઇફોન બનાવવાનું બંધ કરે. તેમણે કહ્યું કે ભારતને તેમનાં હિતોનું ધ્યાન રાખવા દો.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા ટેરિફ અંગે વાત કરી રહ્યાં છે. આ સિવાય અમુક દિવસ પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા, જેમાં કહેવાયું હતું કે ઍપલ ભારતમાં પોતાની ઉત્પાદનક્ષમતા વધારવાનું વિચારી રહ્યું છે.
ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "મેં ગઈ કાલે ટિમ કુક સાથે વાત કરી. મેં કહ્યું, ટિમ, અમે તમારી સાથે ખૂબ સારો વ્યવહાર રાખી રહ્યા છીએ. તમે 500 અબજ ડૉલરની કંપની બનાવી રહ્યા છો, પરંતુ હવે હું સાંભળી રહ્યો છું કે તમે ભારતમાં કારખાનાં સ્થાપી રહ્યા છો. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં (આઇફોન) બનાવો."
"જો તમે ભારતની મદદ કરવા માગો છો, તો ઠીક છે, પરંતુ ભારત વિશ્વનો સૌથી વધુ ટેરફિ લગાડનારા દેશો પૈકી એક છે. ત્યાં વેચાણ મુશ્કેલ છે. ભારતે અમને એક પ્રસ્તાવ આપ્યો છે, જેમાં તેમણે અમારા સામાનો પર કોઈ ટેરિફ ન લાદવાનો વાયદો કર્યો છે."