નોટબંધીના ચારેક માસ બાદ પણ કેશની તંગી,અમદાવાદમાં મોટાભાગના એટીએમ કેશલેસ
શુક્રવાર, 17 માર્ચ 2017 (13:09 IST)
નોટબંધીના ચારેક માસ બાદ પણ અમદાવાદ શહેરમાં નાણાની તંગી વર્તાઇ રહી છે. શહેરના મોટાભાગના એટીએમ આજે પણ ખાલી ખમ પડયા છે. ગ્રાહકો દિવસ-રાત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ તેઓને એટીએમમાંથી રૃપિયા ન મળતા તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં એટીએમ કેશલેસ અવસ્થામાં છે.
દેશભરમાં ગત ૮ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દેવાઇ હતી. નોટબંધીની અસર ૫૦ દિવસમાં ખતમ કરી નાંખવાની સરકારની વાતો વચ્ચે આજે પણ સ્થિતિ એ છેકે મોટાભાગની બેન્કોમાં કેસની તંગી આજે પણ વર્તાઇ રહી છે. બેંન્કોમાં કોઇ હોબાળો ન થાય અને ગ્રાહકોને પુરતા પૈસા મળી રહે તે માટેની જ વ્યવસ્થા કરાઇ છે. જોકે એટીએમમાં પૈસા મૂકવામાં આવતા જ ન હોવાથી બેન્કના સમય બાદ ઇમરજન્સીમાં પૈસાની જરૃરીયાત ઉભી થવાના કિસ્સામાં એટીએમમાંથી પૈસા મળતા જ ન હોવાથી લોકોએ કયા એટીએમમાં પૈસા પડયા છે તે શોધવા માટે રઝળપાટ કરવી પડી રહી છે. પૂર્વ વિસ્તારમાં મોટાભાગના એટીએમના શટલ એડધા પડેલા હોય છે, એટીએમની સ્ક્રીન પર કેશ ન હોવાના લખાણો તેમજ બોર્ડ મારેલા હોય છે. ખાસ કરીને પગાર તારીખમાં અને આખર તારીખોમાં લોકોએ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ અંગે બેન્કોના અધિકારીઓ પણ કેશ ન હોવાની વાત કબૂલીને એટીએમ ખાલી હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે.