Good News - હવે પાસપોર્ટ માટે બર્થ સર્ટિફિકેટની જરૂર નહી..

સોમવાર, 24 જુલાઈ 2017 (10:28 IST)
પાસપોર્ટ બનાવવા માટે પરેશાન થઈ રહેલા લોકો માટે ખુશખબર છે. સરકારે પાસપોર્ટ પ્રક્રિયા પહેલા કરતા થોડી વધુ સરળ બનાવતા લોકોને રાહત આપી છે. પાસપોર્ટ માટે હવે એક દસ્તાવેજ ઓછો થઈ જશે. સરકારે સંસદને માહિતી આપતા કહ્યુ કે હવે પાસપોર્ટ માટે જન્મ દાખલાની જુદી કોપી આપવી નહી પડે.  કેન્દ્ર સરકારે પાર્લામેન્ટને જાણ કરી કે આધાર અને પાન કાર્ડ જન્મના પુરાવા તરીકે પૂરતા છે.
 
 પાસપોર્ટ રૂલ્સ, 1980  મુજબ જાન્યુઆરી 26, 1989ના દિવસે કે તેના પછી જન્મેલા બધા જ લોકો માટે બર્થ સર્ટિફિકેટ સબમિટ કરવુ ફરજિયાત હતુ. હવે જન્મ તારીખ લખેલી હોય તેવુ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કે પછી એલઆઈસી પોલિસીના બોન્ડના આધારે પણ પાસપોર્ટ મેળવી શકાશે. સરકારી કર્મચારીઓ તેમના સર્વિસ રેકોર્ડ, પેન્શન રેકોર્ડનો પુરાવો આપી શકે છે.
 
 વિદેશ મંત્રાલયના વી.કે સિંહે પાર્લામેન્ટમાં જણાવ્યુ કે આ પગલાથી અનેકગણા વધારે લોકો પાસપોર્ટ મેળવી શકશે. પાસપોર્ટ માટે હવે ડિવોર્સ કે દત્તક લીધાના કાગળિયા પણ સબમિટ કરવાની જરૂર નથી. અનાથ બાળકો તેમના અનાથાશ્રમના કાગળિયા સબમિટ કરીને પણ જન્મતારીખ કન્ફર્મ કરી શકે છે. નવા પાસપોર્ટમાં બધી જ વિગતો હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં પ્રિન્ટ થયેલી હશે.
 
 આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના અને 8 વર્ષથી નીચેના લોકોને પાસપોર્ટ ફી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન એપ્લાય કરનારાઓએ માત્ર એક જ વાલીનું નામ જણાવવુ પડશે જેથી સિંગલ પેરેન્ટ વાળા પરિવારમાં ઉછરેલા લોકોને પણ પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે. પાસપોર્ટ સાથે અગાઉ 15  જેટલા જોડાણ હતા જે ઘટાડીને 9 કરી દેવામાં આવ્યા છે. તેમને માત્ર પ્લેન પેપર પર પ્રિન્ટ કરાવીને તેના પર જાતે સહિ કરી સેલ્ફ એટેસ્ટ કરવા પડશે. આથી હવે પાસપોર્ટ માટે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, નોટરી એકિઝકયુટિવ વગેરેની સહિ લેવાની જરૂર નહિ પડે. આનો અર્થ એ પણ થાય છે કે પરણિત દંપત્તિએ મેરેજ સર્ટિફિકેટ સબમિટ કરવાની કે પછી ડિવોર્સ થઈ ગયા હોય તો પતિ કે પત્નીનુ નામ આપવાની પણ જરૂર નહિ પડે. આ નિયમો ડિસેમ્બર 2016થી લાગુ પાડવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો