ભારે વરસાદની તબાહી બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારો ત્રાસ મચાવી રહ્યો છે. અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે. અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શાકભાજીની આવક બજારમાં ઓછી થતાની સાથે તેના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, જો આજ રીતે વરસાદ વરસતો રહેશે, તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.
શાકભાજીમાં 80 % થી 100 % સુધીનો ભાવ વધારો થયોછે. જેમાં પહેલાં જે શાકભાજી 30થી 40 રૂપિયા કિલોના ભાવથી વેચાતી હતી તેના ભાવ અત્યારે 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આમ 100 % નો ભાવ વધારો નોંધાય છે. ફૂલેવરના એક કિલોના 120 રૂપિયા થયા છે જ્યારે કંકોડાની આવક ચાલુ થતાંની સાથે જ 200 રૂપિયે કિલો કંકોડા વેચાય છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં શાકભાજીના ભાવ વધી રહ્યો છે, પણ હાલ ભારે વરસાદને પગલે માર્કેટમાં શાકભાજી ઓછા આવી રહ્યાં છે. આવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે.