સપનાના શહેર મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (એનએમએસીસી) બનાવવામાં આવી રહ્યું છે. આજે સેન્ટરની વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચ કરવામાં આવ્યું. 31 માર્ચ, 2023 સુધીમાં, આ સેન્ટર આકાર લેશે અને તેને દર્શકો માટે ખોલી દેવામાં આવશે.
વેબસાઈટ લૉન્ચના અવસર પર જાહેર કરાયેલા એક વીડિયોમાં ઈશા અંબાણીએ તેની માતા નીતા અંબાણીના કલા પ્રત્યેના સમર્પણને સલામ કરી હતી. તેણે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી નીતા અંબાણી રોજ ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. બિઝનેસ વુમન, સ્પોર્ટ્સ લવર, લીડર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન બનતા પહેલા તેની માતા ભરતનાટ્યમ ડાન્સર છે.
નીતા અંબાણીએ કહ્યું- આજે હું જે કંઈ પણ છું તે ડાન્સને કારણે જ છું
નીતા અંબાણીએ વીડિયોમાં કહ્યું કે, 'હું આજે જે કંઈ પણ છું તે ડાન્સને કારણે છું. ભારતમાં મૂર્તિકલા, નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકારી વગેરેની એક પરંપરા રહી છે. મારું સપનું છે કે ભારતની કલાની આ ખુશ્બુ દુનિયા સુધી પહોંચે. મારું બાળપણનું સપનું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે પૂરું કર્યું છે. હું આશા રાખું છું કે કલાકારો અહીં આવીને તેમની કલ્પનાને ઉડાન ભરી શકશે.”
પર્ફોર્મિંગ આર્ટ માટે 'ધ ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબ' જેવા ભવ્ય થિયેટર બનાવવામાં આવશે. આ તમામમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 'ધ ગ્રાન્ડ થિયેટર'માં એક સાથે 2 હજાર દર્શકો કાર્યક્રમોનો આનંદ માણી શકશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે 16,000 વર્ગફૂટમાં ફેલાયેલું એક ચાર માળનું આર્ટ હાઉસ પણ શરૂ કરવામાં આવશે.