હાલ નોકરીનાં બજારમાં એન્‍જીનીયર કરતા ઇલેકટ્રીશીયનની માંગ વધુ

મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (12:57 IST)
ભારતમાં યુવાનો એન્‍જીનીયરીંગ ક્ષેત્રમાં કારર્કિદી બનાવવા માટે રીતસરની દોટ લગાવી રહયાં છે ત્‍યારે તાજેતરમાં દેશની ટોચની કામદારોને નિયુકત કરાવતી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પગારનાં આંકડાઓ સાંભળીને ચોંકી જવાશે. ફકત ધોરણ ૧૨ પાસ કે તેનાથી પણ ઓછું ભણેલા ઇલેકટ્રીશીયન કે જે કદાચ પોતાનાં ક્ષેત્રમાં પણ અતિકુશળ હોય છે તેનો શરૂઆતી પગાર ૧૧,૩૦૦ રૂપિયા પ્રતિ માસ હોય છે અને તેની સરખામણીએ એન્‍જીનીયરીંગ ગ્રેજયુએટ એવા ડેસ્‍કટોપ એન્‍જીનીયરનો શરૂઆતો પગાર ૧૪,૮૦૦ રૂપિયા પ્રતિ મહિનાની આસપાસ હોય છે. આમ ઇલેકટ્રીશીયન અને એન્‍જીનીયરનાં પગારદરમાં કંઇ જાજો ફરક હોતો નથી.

   સાથે ડેસ્‍કટોપ એન્‍જીનીયરનાં પગાર વધારાનો દર પણ એક ઇલેકટ્રીશીયનને મળતા ગાળાની બરાબર જ હોય છે. માટે એવું આસાનીથી કહી શકાય કે કામ શરૂ કર્યાનાં આઠ વર્ષ બાદ એક ઇલેકટ્રીશીયન પણ આરામથી ૨૬,૦૦૦ રૂપિયા પ્રતિ મહિને કમાઇ લેતા હોય છે. જયારે ડેસ્‍કટોપ એન્‍જીનીયર પણ આઠ વર્ષની નોકરી બાદ ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ કમાતા હોય છે. સાથે જ હાલ ફીટીંગ, વેલ્‍ડીંગ, ઇલેકટ્રીશીયન અને પ્‍લમ્‍બરોની ભારે અછતને કારણે હાલ આ કામદારોનાં પગાર પણ વધી ગયા છે અને સામા પક્ષે આઇટી ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્‍યામાં દર વર્ષે વધારો થવાથી હવે જરૂર કરતા વધુ એન્‍જીનીયરો માર્કટમાં પ્રવેશી રહયાં છે.

   લેબર માર્કેટના ઝીણવટપૂર્વક અભ્‍યાસ કર્યા બાદ ઘણાં ચોંકાવનારા તારણો રજુ કરવામાં આવ્‍યા છે. પાછલાં ૬-૭ વર્ષ દરમિયાન ઇલેકટ્રીશીયન, પલ્‍મબર અને વેલ્‍ડરોને દર મહિને મળતા પગારમાં વધારો નોંધાયો છે. જયારે એન્‍જીનીયરીંગ ક્ષેત્રમાં વિશેષ કરીને આઇટી સેકટરમાં નવીસવી નોકરી મેળવી રહેલા એન્‍જીનીયરોનાં પગારદર ઓછાવતા અંશે બદલાયા નથી.

   હાલ માંગની સરખામણીએ વધુ એન્‍જીનીયર્સ હોવાથી આ ક્ષેત્રનાં સ્‍નાત્‍કો નોકરીઓ મેળવવા માટે વલખા મારી રહયાં છે. અત્‍યારે માર્કેટમાં ૧૦ ઇલેકટ્રીશીયનની જરૂરિયાત સામે ફકત બે ઇલેકટ્રીશીયન જ મળી રહયાં હોવાથી આ પ્રકારનું કૌશલ્‍ય ધરાવતા કામદારોનાં પગાર વધ્‍યા છે. શહેરી યુવકો આ પ્રકારના વ્‍યવસાયલક્ષી કુશળતા પ્રત્‍યે એક પ્રકારની સુગ ધરાવે છે. આ પ્રકારનાં કૌશલ્‍ય લક્ષી લેબર માર્કેટમાં પ્રવેશ માટે સરકાર અને બિન-સરકારી સંસ્‍થાઓએ યુવાઓને પ્રોત્‍સાહન આપવું જોઇએ. હાલ કામદારોની તાતિ માંગ અને ફુગાવાને કારણે મજૂરોનાં પગારદરમાં ૧પ-૨૦%નો વધારો નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો