હવે જન જન વીમા યોજના આવશે?

મંગળવાર, 25 નવેમ્બર 2014 (15:14 IST)
વીમાઅંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વીમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વીમા નિયમનકારી સંસ્‍થઆ ઈરડા દ્વારા સરકારને એવું સૂચન કરવામાં આવ્‍યું છે કે જેમ પ્રધાનમંત્રીની જનધન યોજના છે તેવી રીતે જન વીમા યોજના પણ શરૂ કરવી જોઇએ. ઇરડાના ચેરમેન ટી. એસ. વિજયને સોમવારે જણાવ્‍યું હતું કે લોકોમાં વીમા અંગે જાગરુકતા આવે તે માટે સરકારે પ્રયાસો હાથ ધરવા જોઇએ. મોદી સરકારે બેન્‍ક સેવાથી વંચિત ૭.૫ કરોડ લોકોને બેન્‍ક સેવાનો લાભ આપવા માટે વર્ષે ઓગસ્‍ટમાં જનધન યોજનાની શરૂઆત કરી હતી. અત્‍યાર સુધી યોજના અંતર્ગત સાત કરોડ કરતાં વધારે ખાતાં ખૂલ્‍યાં છે.

   સરકારે ૨૬ જાન્‍યુઆરી સુધીમાં તમામ પરિવારોને યોજનામાં સમાવી લેવાનું લક્ષ્ય રાખ્‍યું છે. યોજના અંતર્ગત ખાતેદારોને રૂ. ૧ લાખનો અકસ્‍માત વીમો અને રૂ. ૩૦ હજારનો જીવનવીમો આપવાની જોગવાઈ કરાઈ છે.

   ઇરડાના ચેરમેન વિજયને વીમા કંપનીઓને એજન્‍ટો માટે લઘુત્તમ વેતન નક્કી કરવા અને રોજગારીની તકો પેદા કરવા માટે સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે વીમા કંપનીના એજન્‍ટોને કમસે કમ રૂ. ૧૦ હજારનું લઘુત્તમ વેતન મળવું જોઇએ. હાલમાં દેશમાં જીવન વીમા અને સામાન્‍ય વીમા ક્ષેત્રે ૨૦ લાખ એજન્‍ટો કાર્યરત છે.

વેબદુનિયા પર વાંચો