પાનકાર્ડમાં પોતાના નામ પાછળ માતાનું નામ લખી શકાશે

શુક્રવાર, 23 મે 2014 (12:50 IST)
આધુનિક જમાનામાં ભારતની પુરુષપ્રધાન સંસ્‍કૃતિમાં પણ પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ લગાવનારા સંતાનોની સંખ્‍યા વધતી જાય છે. સમાજના આ બદલાતા વહેણને સ્‍વીકૃતિ આપીને સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્‍ટ ટેક્‍સીસ (સીબીડીટી)એ પાનકાર્ડ એપ્‍લિકેશન માટે બહાર પાડેલા નવા ફોર્મ 49A અને 49AAમાં પોતાના નામ પાછળ માતાનું નામ લગાડવાનો વિકલ્‍પ પૂરો પાડ્‍યો છે.
 
      પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર (પાન)માં અત્‍યાર સુધી કોઈ અરજદારે એપ્‍લિકેશન કરવા માટે ભરવા પડતા ફોર્મમાં પિતાના નામની વિગતો ભરવી ફરજિયાત હતી. સંજય લીલા ભણશાલીની જેમ પોતાના નામની પાછળ માતાનું નામ લગાડનારા લોકો માટે પાન એપ્‍લિકેશન ફોર્મમાં વિકલ્‍પ ઉપલબ્‍ધ નહતો.
 
      સીબીડીટીએ ગઈકાલે લોન્‍ચ કરેલા ફોર્મ 49A અને 49AAના બોક્‍સ નંબરઃ૬ માં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. આ બોક્‍સમાં માતાનું નામ, માતાની અટક, નામ અને મિડલનેમની વિગતો ભરવાના ખાના આપવામાં આવ્‍યા છે.અગત્‍યની વાત એ છે કે તેની નીચે ખાસ લાઈન એડ કરવામાં આવી છે કે ‘તમે પાન કાર્ડ ઉપર માતા કે પિતા જે કોઈનું નામ પ્રિન્‍ટ કરાવવા ઇચ્‍છતા હોવ તે સિલેક્‍ટ કરો.'
 
      ત્‍યાર બાદ પાનકાર્ડ ઉપર માતાનું નામ છપાવવું છે કે પિતાનું તેનું ટિકમાર્ક કરવાનું બોક્‍સ પ્રોવાઈડ કરાયું છે. મતલબ કે જો વ્‍યક્‍તિ ઇચ્‍છશે તો પાનકાર્ડ પર પોતાના નામની પાછળ માતાનું નામ લગાડી શકશે. જો કે પાનકાર્ડ અનેક જગ્‍યાએ ઓળખપત્ર તરીકે ઉપયોગમાં આવતું હોવાથી તમારા તમામ ઓળખપત્ર ઉપર તમારું નામ એક સમાન હોય તે ચકાસી લેવું જરૂરી છે. સી.એ અજિત શાહ જણાવે છે, ‘પાન કાર્ડ એપ્‍લિકેશન માટેનું ફોર્મ 49A ભારતના નાગરિકો અને ભારતની કંપનીઓ તેમજ એસોસિએશન માટે છે. જયારે 49AA નોન સિટિઝન તેમજ, દેશ બહાર સ્‍થપાયેલી કોઈ કંપની આપણા દેશમાં વેપાર કરવા માંગતી હોય તો તેના પાનકાર્ડ એપ્‍લિકેશન માટે છે. આ બંને ફોર્મમાં માતાના નામની વિગતોનો વિકલ્‍પ પૂરો પાડતા ફોર્મ સીબીડીટીએ રિલીઝ કર્યા છે.' 

વેબદુનિયા પર વાંચો