કીટનાશક દવા : બીજ માવજત અને જીવાતોના નિયંત્રણ માટે અસરકારક

શુક્રવાર, 4 મે 2012 (10:33 IST)
P.R
જુદા જુદા પાકોમાં વાવણીથી માંડી કાપણી સુધી વિવિધ જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. આવી જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતો અવિવેકી કીટનાસક દવાઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. સાંશ્વ્લેષિક દવાઓનો વઘુ પડતો ઉપયોગ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આવી વિવિધ આડઅસરો છેલ્લા કેટલાંક વર્ષોથી આપણા ઘ્યાન પર આવી રહી છે. જેમાં જીવાતના કુદરતી દુશ્મનોનો નાશ થવો, જીવાતોનું પુનઃસર્જન થવું, ખાદ્ય પદાર્થોમાં ઝેરી રસાયણોના અવશેષો રહેવા, હવા, પાણી તથા જમીનના પ્રદૂષણમાં વધારો થવો અને જીવાતમાં કીટનાશક દવાઓનો પ્રતિકારકતા તથા વસ્તીવિસ્ફોટ થવો વગેરે જટલી પ્રશ્નો ઉદ્‌ભવ્યા છે. આ બધી સમસ્યાઓનું થોડા ઘણે અંશે નિરાકરણ મેળવવા અને પાકની શરૂઆતની અવસ્થાને જીવાતથી સુરક્ષિત રાખવા તેમજ ખર્ચમાં ઘટાડો કરી સમયસર અને અસરકારક નિયંત્રણ મેળવી વઘુ ઉત્પાદન મળવવા શક્ય હોય તે પાકના બિયારણને વાવણી પહેલાં કીટનાશક દવાનો પટ આપવો ખૂબ જ આવશ્યક છે. આવા કેટલાંક અભ્યાસ આધારીત દાખલાઓ અહીં ટાંકવામાં આવેલ છે. જે વિસ્તરણ કાર્યકર્તા, ખેડૂતો અને વિદ્યાર્થીઓને સમજવામાં અને સલાહ આપવામાં મદદરૂપ બની શકે. આમ બીજને કીટનાશક દવાની માવજતથી પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી જીવાતોની વસ્તી પર અંકુશ રાખવા માટેનો એક મૈત્રીસભર રસ્તો છે. આ માવજત જીવાતોના કુદરતી દુશ્મનો સામે પ્રમાણમાં સલામત છે. તે એક સરળ, સસ્તી અને ખૂબ જ અસરકારક માવજત છે.

જુવારના પાકમાં સાંઠામાંખીથી ખૂબ જ નુકસાન થતું હોય છે. તેનો ઉપદ્રવ શરૂઆતના એક માસ દરમિયાન જ જોવા મળે છે.આ જીવાતના ઉપદ્રવથી કુંપળ સુકાઈ જાય છે. જે સહેલાઈથી ખેંચાઈ આવે છે અને કોહવારાની ખરાબ વાસ આવે છે. ઉપદ્રવ થયા પછી કીટનાશક દવાનો છંટકાવ કરવાથી જોઈએ તેવા પરિણામ મેળવી શકાતા નથી. જેથી જુવારના એક કિલો બીજદીઠ ૧૦૦ ગ્રામ કાર્બોફ્‌યુરાન ૫૦% એસપી દવાનો પટ ાપી વાવવાની ભલામણ કરવામાં આવે છે. આવી માવજત આપી વાવણી કરેલ જુવારમાં સાંઠમાંખીનો ઉપદ્રવ નહીંવત જોવા મળે છે અને સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. એક અભ્યાસ મુજબ જુવારના બીજને ઈમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૪થી ૫ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની માવજત આપવાથી સાંઠામાંખી એન ગાભમારાની ઈયળ થતું નુકસાન ઘટાડી શકાય અને દાણાનું ઉત્પાદન વધારે મેળવી શકાય. કાર્બોફ્‌યુરાન ૪૦ એફ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ મકાઈના બીજને માવજત આપી વાવેતર કરવાથી સાંઠામાખી સામે રક્ષણ મેળવી શકાય. બાજરીમાં નુકસાન કરતી સાંઠામાખીના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ/કિ.ગ્રા.ની બીજ માવજત આપવાથી શરૂઆતના ૩૦ દિવસ સુધી રક્ષણ મળે છે. મઘ્ય અને ઉત્તર ગુજરાત વિસ્તારના ઘઉના પાકને ઉધઈથી ખૂબ જ નુકસાન થાય છે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાતું નથી. ઉધઈના ઉપદ્રવ પછી લેવામાં આવતા નિયંત્રણના પગલાં એટલા સારા પુરવાર થયા નથી અને ખર્ચ પણ વધારે કરવો પડે છે. જેથી ઘઉંના ૧૦૦ કિલો (૧ ક્વિન્ટલ) બીજદીઠ ૪૫૦ મિલી ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ૭૦૦ મિલી એન્ડોસલ્પાન ૩૫ ઈસીની માવજત આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે સૌ પ્રથમ ઘઉંના બીજને પાકા પથરાળમાં પહોળા કરી, પાંચ લિટર પાણીમાં ઉપર પૈકી કોઈપણ એક કીટનાશક દવા ભેળવી તૈયાર કરેલ ઘઉંના જથ્થામાં યોગ્ય છંટકાવ થાય તેની કાળજી લેવી, ત્યારબાદ ઘઉંને ભેગ કરી ઢાંકી દેવા કે એક ખૂણામાં મૂકી રાખી બીજા દિવસે વાવેતર કરવાથી ઉધઈ સામે રક્ષણ મળે છે.

કપાસના પાકને નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે થ્રિપ્સ, મોલો, તડતડિયાં અને સફેદમાખીનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં વધારે રહે છે. આ જીવાતો છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે અને છોડનો વિકાસ રૂંધાતા ઉત્પાદન ઉપર વિપરીત અસર થાય છે. આવી જીવાતોના નિયંત્રણ માટે ક્ષમ્યમાત્રા જોયા વગર ખેડૂતો પાકની શરૂઆતથી જ કીટનાશક દવાઓના છંટકાવ કરે છે. વળી ચોમાસામાં વરસાદને લીધે આવી છંટકાવ કરેલ દવા પાક પરથી ધોવાઈ જાય છે અને તેની અસરકારકતા ઘટે છે. વઘુમાં તે ઉપયોગી કીટકો માટે પણ ઝેરી નીવડે છે અને પર્યાવરણએ પણ હાનિ પહોંચાડે છે. આ બધી સમસ્યાના નિવારણ માટે કપાસના બીજને કીટનાશક દવાની માવજત આપી વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે. તે માટે ઈમિડાક્લોપ્રીડ ૭૦% ડબલ્યુએસ ૫ ગ્રામ અથવા થાય મેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજને પટ આપવો જોઈએ.આ રીતે બીજને પટ આપી ઉગાડવામાં આવેલ કપાસના પાકને શરૂઆતના લગભગ દોઢેક મહિના સુધીની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાત સામે રક્ષણ પુરૂં પાડે છે. આ દવાઓ શોષક પ્રકારની હોઈ તેની અસર છોડના ઉગવા સાથે તેમાં ભળે છે અને તેની વૃદ્ધિવર્ધક અસર પણ જોવા મળે છે. તેમજ છોડમાં હરિતકણો અને નાઈટ્રોજનનું પ્રમાણ વધારે છે અને તેના પરિણામે રૂનું ઉત્પાદન વધે છે. ઉપરાંત છોડની ઊંચાઈ, ડાળીઓની સંખ્યા અને ઝીંડવાની સંખ્યામાં વધારો કરે છે. આવી માવજતથી ફાયદાકારક કીટકોને હાનિ પહોંચતી નથી. એક અભ્યાસ મુજબ એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨૬.૨૫ ગ્રામ/કિ.ગ્રા. બીજ માવજતના ઉપયોગથી કપાસના પાકમાં લીલા ચૂસિયાં અને થ્રિપ્સ જેવી જીવાત ૪૦ દિવસ સુધી સારી રીતે નિયંત્રણમાં રહે છે.

મઘ્ય અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં મગફળીમાં ધૈણનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આવી ધૈણ જમીનમાં રહી મૂળનો ભાગ ખાય છે અને ચાસમાં આગળ વધે છે. જેના કારણે ચાસમાં મગફળી હારબંધ સૂકાઈ જાય છે. તેનો ઉપદ્રવ નિવારવા માટે કીટનાશક દવાની માવજત એ એક ખૂબ જ સરળ, અસરકારક અને સસ્તી પદ્ધતિ છે. તે માટે મગફળીના ૧૦ કિ.ગ્રા. બીજદીઠ ક્વિનાલફોસ ૨૫ ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫૦ મિલી દવા લઈ બીજને મોટા પાત્રમાં અથવા પાક ભોંયતળિયા પર ગલો કરી તેના પર દવાને રેડતા જઈ બીજને ફેરવતા રહી પટ આપવો. પૂરા જથ્થામાં દવાનો પટ ચઢે તેની કાળજી રાખવી. બીજને પટ આપતી વખતે પ્લાસ્ટીક કે રબરના હાથ મોજાનો ઉપયોગ કરવો. તેમજ બીજની ઉપરની ફોતરી ઉખડી ન જાય તે રીતે હળવા હાથે પટ ચઢાવવો. માવજત આપેલા બીજને પ્લાસ્ટીકના કંતાન કે પાકા ભોંયતળિયા પર પહોળા કરી ૩થી ૪ કલાક છાંયડામાં રહેવા દેવા અને મોડામાં મોડા એક દિવસમાં વાવણી થઈ જાય તે ઘ્યાનમાં રાખવું. તેવી જ રીતે ઈમિડાક્લોપ્રીડ ૨.૮ ગ્રામ/કિ.ગ્રા. માવજત આપેલા મગફળીના બીજના ઉપયોગથી ધૈણ સામે સારૂ પરિણામ મળે છે. જરૂરિયાતને ઘ્યાનમાં રાખી તેટલા જ બિયારણને માવજત આપવી જોઈએ. આ રીતે માવજત ાપી વાવેતર કરેલ મગફળીમાં ધૈણનો ઉપદ્રવ થતો કેટલેક અંશે અટકાવી શકાય છે. થાયમેથોક્ઝામ ૭૦ ડબલ્યુેસ ૫ ગ્રામ/કિ.ગ્રા.ની માવજત આપેલાં સોયાબીનના બીજના ઉગાવા બાદ ૬૦ દિવસ સુધી ભૂરા કાંસીયા (બ્લુ બીટલ) અને થડમાખી સામે રક્ષણ પૂરું પાડે છે. એક અભ્યાસ મુજબ આજ દવાની ૩ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે માવજત આપવાથી સોયાબીનના કુમળાં છોડ કોરનાર ઈયળ, થડમાખી અને ગર્ડલ બીટલનું નુકસાન ઘટાડી ઉત્પાદન વધારે છે.

અડદમાં કાર્બોફ્‌યુરાન ૨૫ એસટીડી ૪ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ બીજ માવજત થડમાખી અને પાનના ચૂસિયાંની વસ્તીને લાંબા સમય સુધી કાબૂમાં રાખે છે. આજ કીટનાશક દવા ૨૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. અડદના બીજને માવજત આપી વાવેતર કરવાથી ગાલ રૂસીડ બીટલથી થતાં નુકસાનને કાબૂમાં રાખે છે. મગમાં થાય મેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ અને ઈમિડાક્લોપ્રી ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપવાથી ચૂસિયાં પ્રકારના કીટકોને કાબૂમાં રાખે છે.

શેરડીના પાકને નુકસાન કરતી ભીંગડાવાળી જીવાત અને ચીકટોનો ફેલાવો શેરડીના કટકા દ્વારા થતો હોય છે અને એ રીતે નવા રોપણમાં તેનો પેસારો થાય છે.આ જીવાત શેરડીના સાંઠા સાથે ચોંટી રહી રસ ચૂસી નુકસાન કરે છે. જેથી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અર પહોંચતી હોય છે. તે માટે તૈયાર કરેલ શેરડીના કટકાને મેલાથીયોન ૫૦ ઈસી ૨૦ મિલી અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૩૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરી તૈયાર કરેલ પ્રવાહી મિશ્રણમાં ૧૦-૧૫ મિનિટ બોળી રાખી રોપણી કરવાથી આવી જીવાતોનો નાશ થાય છે. વઘુમાં તેના ઉપયોગથી ઉધઈ સામે પણ રક્ષણ પુરું પાડે છે.

મરચી અને ટામેટીના બીજને ઈમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી ધરૂ તૈયાર થયે આજ દવા અડધો ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ધરૂ મૂળ ડૂબાડી રાખી રોપાણ કરવાથી ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ પુરું પાડે છે. આ માવજતથી છોડની ઊંચાઈ અને હરિતકણો વધવા પામે છે. ભીંડા વાવતા પહેલાં એક કિલો બીજદીઠ ૧૦ ગ્રામ ઈમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસનો પટ આપવાથી ચૂસિયાં પ્રકારની જીવાતો દોઢ મહિના સુધી અસરકારક રીતે નિયંત્રણમાં રહે છે.એક અભ્યાસ મુજબ આજ પાકના બીજને ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણેની માવજત ચૂસિયાં પ્રકારની જીવાતોનું અસરકારક નિયંત્રણ કરે છે.

અભ્યાસમાં તારણો સૂચવે છે કે કપાસમાં ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે માવજત આપી વાવેતર કરવાથી ઉપયોગી કીટક લીલી પોપટી (ક્રાયસોપા)ના ઈંડા અને દાળીયાના પુખ્તની વસ્તી માવજત વિના ઉગાડવામાં આવેલ કપાસ જેટલા જ જણાયેલ. તેવી જ રીતે એસીટામીપ્રીડ ૨૦ એસપીથી માવજત આપેલ કપાસના ખેતરમાં કરોળિયાં અને દાળિયાની વસ્તીમાં કોઈ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ ન હતો. કપાસમાં થાયમેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ ૪.૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ માવજત દાળિયા અને લીલી પોપટીની પ્રવૃત્તિ પર અસર કરતું નથી.

આમ ઉપરોક્ત હકીકત નિહાળતાં એમ કહી શકાય કે બીજ માવજત એ પાકની શરૂઆતની અવસ્થાાં જોવા મળતી જીવાતોને નિયંત્રણમાં રાખી પર્યાવરણ પ્રદૂષિત થતું રોવકામાં મદદરૂપ બને છે. તે જીવાતોના કુદરતી દુશ્મનો સામે પ્રમાણમાં સુરક્ષિત પણ છે. તે સહેલાઈથી આપી શકાય છે. ઓછી કાર્યકુશળતા અને ઓછી માત્રામાં જરૂર પડે છે. તેથી પાકનું ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

વેબદુનિયા પર વાંચો