અમદાવાદ પશ્ર્ચિમ રેલવેનું સૌથી લધુ કમાતુ ડિવિઝન

શનિવાર, 9 ઑગસ્ટ 2014 (16:44 IST)
દેશના તમામ ઝોનની રેલવેમાં વેર્સ્ટન રેલવે ધીકતી કમાણી કરતી રેલવે છે અને તેમાંય અમદાવાદ ડિવિઝનની આવકમાં વર્ષો વર્ષ વધારો થઈ રહ્યો છે. આમ છતાં પશ્ર્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદમાં સ્થાપવાની વર્ષો જૂની માગણી સ્વિકારવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશનને મોડેલ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા પણ મંદ ગતિથી ચાલી રહી છે.

અમદાવાદ મંડળની આવકમાં થઈ રહેલા વધારા અંગે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ.રેલવેના અમદાવાદ મંડળ ખાતે ગત જુલાઈ માસમાં કુલ આવકમાં ૨૫ ટકાની વ્ાૃધ્ધિ થઈ છે. જુલાઈ ૨૦૧૩માં પ્રવાસી આવક ૫૧ કરોડ હતી. જે આ વર્ષે જુલાઈ માસમાં વધીને રૂ.૭૮ કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન માલ ભાડાં આવકમાં પણ ૨૦ કટાનો વધારો થયો છે. ગત વર્ષે માલ ભાડા આવકથી રૂ. ૩૪૫ કરોડની આવક થઈ હતી. જે આ વર્ષે વધીને રૂ. ૪૧૩ કરોડ થઈ હતી. જે ૨૦ ટકાથી વધુ છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ પાંચ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે ૩૭ લાખથી વધુ પ્રવાસીઓએ અમદાવાદ ડિવિઝનથી પ્રવાસ કર્યો હતો.

આમ વેસ્ટર્ન રેલવે માટે અમદાવાદ ડિવિઝન દુઝણી ગાય સમાન હોવા છતા તેના વિકાસ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હોય એમ કાલુપુર સ્ટેશન સહિત ડિવિઝન હેઠળના સ્ટેશનો પર પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો