ટેટૂ દોરાવવાની પ્રથા ૧૨ હજાર વર્ષ જૂની, જે હવે ફેશન બની
શનિવાર, 8 નવેમ્બર 2014 (14:34 IST)
ટેટૂ કરાવવાની આજકાલ યુવાનોમાં ઘેલછા જોવા મળે છે. જેનું મુખ્ય કારણ બૉલીવૂડનો પ્રભાવ છે. ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પિતાની માંદગીની ખબર પડતા હાથ ઉપર ટેટૂ કરાવ્યું છે. જેમાં તેણે લખાવ્યું છે ‘ડેડીસ્ લિટલ ગર્લ’. એષા દેઓલે તેના જમણા ખભા ઉપર ‘ગાયત્રી મંત્ર’ કોતરાવ્યો છે. સોનાક્ષી સિન્હાએ તેની વર્ષગાંઠ ઉપર તેના ગળામાં ‘સ્ટાર’ કોતરાવ્યો હતો. અભિનેતા અજય દેવગણે તો તેની છાતી ઉપર ભગવાન શિવના મુખનું ટેટૂ કરાવ્યું છે. અભિનેતા ઈમરાન ખાન કૉલેજ કાળમાં હતો, ત્યારે જ ગળા ઉપર ભગવાન ‘સૂર્યદેવ’નું ટેટૂ કોતરાવ્યું હતું. રિતિક રોશન અને સુઝેને બંને સાથે જઈને હાથ ઉપર ‘સ્ટાર’ કોતરાવ્યો હતો.
જાપાનીઝ સંસ્કૃતિમાં ‘હોરિમોનો’ આર્ટ પ્રાચીન કાળથી પ્રચલિત છે. જેમાં ‘હોરિ’ શબ્દનો અર્થ થાય છે કોતરવું. ‘મોનો’ શબ્દનો અર્થ થાય છે વસ્તુ. ટેટૂ બનાવવું એટલે શિલ્પમાં કોતરણી કરવામાં આવે તે પ્રમાણે શરીરના વિવિધ અંગો ઉપર ચિત્રકામ કરવાની કળા.
ભારતમાં પ્રાચીન કાળમાં ઋષિમુનિ પાસે શિક્ષણ લેવાની પ્રથા હતી. તે જ પ્રમાણે જાપાનમાં ટેટૂની તાલીમ આપવામાં આવતી. જેમાં પાંચ વર્ષ સુધી ટેટૂ બનાવવાની તાલીમ આપવામાં આવતી. વિદ્યાર્થીઓએ પાંચ વર્ષ સુધી તેમના માસ્ટર પાસે રહેવું ફરજિયાત હતું. પાંચ વર્ષની તાલીમ બાદ શિષ્યો પોતે વ્યવસાય કરે. જેટલી કમાણી થાય તે બધી પોતાના ગુરુને સોંપી દે. એક વર્ષની સેવાને જાપાનીઝમાં ‘ઓરિબોકો’ કહેવામાં આવે છે. શિષ્યો પોતાની કમાણી ગુરુને સોંપીને પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા.
શરીર ઉપર ટેટૂ દોરવાની પરંપરા ૧૨ હજાર વર્ષ જૂની છે. ટેટૂ કરવાના કારણો આજના યુગની સરખામણીએ અલગ જોવા મળતા. પ્રાચીન સમયમાં ટેટૂ ખાસ કરીને શાહી કુટુંબોમાં, બીજાથી અલગ દેખાવા માટે કોતરાવામાં આવતા. જેમાં મુખ્યત્વે ઊગતા સૂર્યની કે પોતાના રજવાડાના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો.
યુદ્ધમાં લડાઈ પહેલાં સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તલવાર કે કમાનનું ચિત્ર તેમના હાથ ઉપર દોરતા. રાજા દ્વારા સૈનિકોને તેમની બહાદુરી માટે પણ છૂંદણું ત્રોફાવવામાં આવતું.
ગુનેગારોને તેમણે કરેલ ગુનાની સજા સ્વરૂપે દુનિયાને દેખાય, તેઓ શરમ અનુભવે તે હેતુથી ટેટૂ કરવામાં આવતું. જ્યારે ગુલામોને તેઓ બીજાથી અલગ દેખાય અને ભાગી જાય તો પકડવામાં સરળતા રહે તે હેતુથી છૂંદણા છૂંદવાની પરંપરા હતી.
ઈજિપ્તની સ્ત્રીઓના શરીર ઉપર કોતરાવવામાં આવેલ ટેટૂના પ્રતીક જોઈને તેમનો મોભો નક્કી કરવામાં આવતો.
ભારતના વિવિધ પ્રદેશોમાં પણ છૂંદણા ત્રોફાવવાની પ્રાચીન પરંપરા જોવા મળે છે.
દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં ‘પાચકુટથરાથ્થુ’ નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં ‘ગુંડા’ને નામે જાણીતું છે. ગુજરાતમાં તેને છૂંદણા ત્રોફાવવા તેમ કહેવામાં આવે છે. આદિવાસી જાતિમાં તેને સાંસ્કૃતિક ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
આજના અર્વાચીન યુગમાં છૂંદણાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. તે વિશેની માહિતી આપતા અંધેરી સ્થિત ‘તારા ટેટૂ’ના માલિક તારા શર્માનું કહેવું છે કે આજના યુવાનોમાં ટેટૂનો શોખ મુખ્યત્વે ફિલ્મ સ્ટારોએ કોતરાવેલા ટેટુને કારણે જોવા મળે છે. મિત્રોએ કરાવેલા ટેટૂને જોઈને તેણે કોતરાવ્યું અને હું રહી ગયો, દેખાદેખીને કારણે ટેટૂ કરાવવા આવનારા યુવા વર્ગની સંખ્યા વધી ગઈ છે. ટેટૂ દોરાવવાથી પોતે સ્માર્ટ લાગશે, બીજાને સહેલાઈથી પ્રભાવિત કરી શકશે તેમ સમજીને ટેટૂ કરાવવા આવે છે. ઘણી વખત શરીરમાં રહેલી વિકૃતિને છુપાવવા માટે પણ ટેટૂ કરાવવા આવતા હોય છે.
‘તારા ટેટૂ ’ના માલિક તારા શર્મા ફિલ્મમાં સ્ટન્ટ મેન તરીકે અજય દેવગનના પિતા વીરુ દેવગન સાથે કામ કરે છે. એક ફિલ્મના શૂટિંગ માટે ગોવામાં ગયા હતા. ત્યાં વિદેશીઓના શરીર ઉપર ટેટૂ જોયા. હેન્ડ પેઈન્ટિંગમાં પારંગત હોવાથી તેમણે પણ ટેટૂની કળા શીખી લીધી. ધીમે ધીમે ટેટૂ કરાવવા આવનાર લોકોની સંખ્યા વધવા લાગી. જય જાદવ નામના ઉત્સાહિત યુવાન તારાભાઈની સાથે જોડાયા. જેઓ ચિત્રકામમાં નિષ્ણાત હોવાથી ટેટૂ બનાવવામાં નિપુણતા મેળવી. હાલમાં તેમની પાસે એક હજાર રૂપિયાથી શરૂ થતા વિવિધ ટેટૂના નકશીકામ જોવા મળે છે. જાપાન, થાઈલૅન્ડ અને યુ.કે. થી ટેટૂ માટેની કુદરતી ફૂલોની શાહી મંગાવવામાં આવે છે.
જય જાદવ જણાવે છે કે સૌથી વધુ ચિત્ર ૐ, પતંગિયા, ફિનિક્સ પંખી, વિવિધ દેવી દેવતાઓનો ચહેરો અને મિત્રોના નામ લખાવવા માટે આવે છે.
ખંતથી પોતાના કામને કરતા જય જાદવનું કહેવું છે કે ટેટૂ કરાવવા આવતા યુવાવર્ગને એક જ સંદેશ છે કે જ્યારે પણ કરાવવા આવો ત્યારે પોતાના માતા-પિતાની કે વડીલોની પરવાનગી લઈને જ ટેટૂ કરાવવું જોઈએ. કારણકે એક વખત કરાવ્યા બાદ તેને સાફ કરવાની વિધિ થોડી કષ્ટદાયક છે. તે કઢાવવા માટે લેઝર ટ્રિટમેન્ટ સોથી વધુ સલામત છે.
ખાસ ટેટૂ ત્રોફાવવાથી વ્યક્તિગત જીવનમાં સફળતા મળે છે, તેવી માન્યતાને કારણે અમેરિકામાં તો ‘ફાઈન-આર્ટ-ટેટૂ’ સ્ટુડિયો ખૂલ્યા છે. જ્યાં અગાઉથી નામ લખાવવું પડે છે. અમેરિકામાં ટેટૂનો વ્યવસાય સૌથી વધુ ઊભરતા વ્યાપારમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે.
ટેટૂ કરાવનારે શું કાળજી લેવી જોઈએ?
ક ટેટૂ કરાવનારને બ્લડ પ્રેશર, ડાયાબિટીશ કે ચામડીના રોગ ન હોવા જોઈએ.
ક ટેટૂ કરાવવા આવતા પહેલાં ભરપેટ ભોજન ક્યુર્ં હોવું જોઈએ.
ક ટેટૂ કરાવવા આવનાર વ્યક્તિ પોતાની સાથે કોઈને લઈને આવે તે જરૂરી છે.